અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શૉ: કોને મળશે ફ્રી એન્ટ્રી? ટિકિટ બુકિંગથી લઈને રિફંડ સુધીના નવા નિયમો
ahmedabad flower show: મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુલાકાતીઓની લાગણીને ધ્યાનમાં રાખીને ટિકિટના દરોમાં રાહત આપવામાં આવી છે.

ahmedabad flower show: અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે 'સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર શૉ' (Sabarmati Riverfront Flower Show) ની શરૂઆત નવા વર્ષની પહેલી સવારે એટલે કે 1લી જાન્યુઆરીથી થવા જઈ રહી છે. મુલાકાતીઓ માટે ખુશીના સમાચાર એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટિકિટના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો તમે પણ પરિવાર સાથે અહીં જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો ટિકિટ બુકિંગ (Ticket Booking) અને ફ્રી એન્ટ્રીના નિયમો ખાસ જાણી લો.
જાણો ટિકિટના નવા ભાવ અને VIP સ્લોટ
મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુલાકાતીઓની લાગણીને ધ્યાનમાં રાખીને ટિકિટના દરોમાં રાહત આપવામાં આવી છે. સુધારેલા ભાવપત્રક મુજબ:
સામાન્ય દિવસો (સોમવારથી શુક્રવાર): 12 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે ટિકિટનો દર 80 રૂપિયા રહેશે (જે પહેલા 120 રૂપિયા હતો).
વીકએન્ડ અને રજાઓ (શનિવાર-રવિવાર): રજાના દિવસોમાં ટિકિટનો દર 100 રૂપિયા રહેશે (જે પહેલા 150 રૂપિયા હતો).
VIP એન્ટ્રી: જે લોકો ભીડભાડ વગર શાંતિથી ફ્લાવર શૉ માણવા માંગે છે, તેમના માટે સવારે 8:00 થી 9:00 અને રાત્રે 10:00 થી 11:00 વાગ્યા સુધીનો VIP સ્લોટ રાખવામાં આવ્યો છે, જેનો ચાર્જ 500 રૂપિયા છે.
કોમ્બો ઓફર: મુલાકાતીઓ 'અટલ બ્રિજ' (Atal Bridge) અને ફ્લાવર શૉ બંનેની મુલાકાત એકસાથે લેવા માટે કોમ્બો ટિકિટ પણ ખરીદી શકશે.
કોને મળશે ફ્રી એન્ટ્રી અને ડિસ્કાઉન્ટ?
AMC એ બાળકો અને જવાનો માટે ખાસ વ્યવસ્થા કરી છે. નીચે મુજબના લોકોને મફત પ્રવેશ (Free Entry) મળશે:
12 વર્ષથી નાના બાળકો.
મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓ.
દિવ્યાંગ નાગરિકો.
દેશના સૈનિકો.
આ ઉપરાંત, ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જો સ્કૂલના પ્રવાસ તરીકે આવે તો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી માત્ર 10 રૂપિયાના ટોકન દરે પ્રવેશ આપવામાં આવશે.
ઓનલાઈન ટિકિટ બુકિંગની પ્રોસેસ (Online Booking Process)
હવે તમે લાંબી લાઈનમાં ઉભા રહ્યા વગર ઘરેબેઠા ટિકિટ બુક કરી શકો છો.
AMC દ્વારા જાહેર કરાયેલ QR Code સ્કેન કરો.
ખુલતા પેજ પર નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.
ફ્લાવર શૉ અથવા કોમ્બો ટિકિટ પસંદ કરી પેમેન્ટ કરો.
પેમેન્ટ સફળ થતા જ તમારા મોબાઈલ પર ટિકિટ આવી જશે.
ખાસ નોંધ: ઓનલાઈન ટિકિટ 'નોન-રિફંડેબલ' (Non-refundable) છે, એટલે કે કેન્સલ થશે નહીં. જો પૈસા કપાયા બાદ ટિકિટ ન દેખાય, તો વેબસાઈટ પર 'ડાઉનલોડ ટિકિટ' વિકલ્પમાં મોબાઈલ નંબર નાખીને ટિકિટ મેળવી શકાશે. જે લોકોને સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરતા, તેમના માટે રિવરફ્રન્ટની સામેના પ્લોટમાં ઓફલાઈન ટિકિટ બારીઓ પણ શરૂ કરવામાં આવી છે.




















