ગુજરાતાં મહિલા ઉચ્ચ અધિકારી લાંચ લેતાં ઝડપાયાં, પોતે રસી લેવાના બહાને નિકળ્યાં બહાર ને ..........
વેપારી રૂપિયા આપવા ગયા ત્યારે જોઈન્ટ કમિશનર નીતુસિંહ અનિલ ત્રિપાઠી રસી લેવાનું કારણ આપીને બહાર ગયા હતા.
અમદાવાદ : ફર્નિચરની આયાત કરતાં વેપારીની ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ પરત કરવા માટે રૂા. 1.50 લાખની લાંચ માગનાર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) જોઈન્ટ કમિશનર (Joint Commissioner) નીતિ સિંહ અનિલ ત્રિપાઠી અને તેમની સાથે કામ કરતાં સુપરિન્ટેન્ડન્ટ પ્રકાશ યશવંતભાઈ રસાણિયાની આજે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ એક વેપારી પાસે વ્યાજ અને પેનલ્ટીની રકમમાંથી બચવા માટે જોઈન્ટ કમિશનર નીતુસિંહ અનિલ ત્રિપાઠી અને તેમના સાથી સુપરિન્ટેન્ડન્ટ પ્રકાશ યશવંત રસાણિયાએ તેમની પાસેથી રૂા. 5 લાખની લાંચ (bribe) માગી હતી. જોકે વેપારી આ રકમ આપસા સહમત ન હતા પરંતુ જોઈન્ટ કમિશ્નર અને સુપરિન્ટેન્ડન્ટ ટસના મસ ન થયા અને અંતે 1.5 લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી કર્યું.
ત્યાર બાદ નક્કી થયા મુજબ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સીમા હોલની નજીક આવેલ જીએસટીની ડિવિઝન-6ની ઓફિસમાં રૂપિયા આપાવનું નક્કી થયું હતું. જોકે આ પહેલા વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોને તેની જાણ કરી હતી. જેમાં જીએસટીના અધિકારીઓ સાથે નક્કી કર્યા મુજબ વેપારી રૂપિયા આપવા ગયા હતા.
જોકે વેપારી રૂપિયા આપવા ગયા ત્યારે જોઈન્ટ કમિશનર નીતુસિંહ અનિલ ત્રિપાઠી રસી લેવાનું કારણ આપીને બહાર ગયા હતા. વેપારીએ તેમને ફોન કરતાં તે નાણાં પ્રકાશ રસાણિયાને આપી દેવાની સૂચના નીતુસિંહે આપી હતી.
પ્રકાશ રસાણિયાને લાંચના નાણાં આપતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા. તે સાથે જ લાંચ પેટે આપેલી સંપૂર્ણ રકમ પણ રિકવર કરી લેવામાં આવી હતી. ઑફિસમાં જ આ નાણાં લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ પ્રકાશ રસાણિયાની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં નીતુ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોઈન્ટ કમિશનરને ટ્રેપ કરવાની કામગીરી એસીબીના આર.જી.ચૌધરીએ મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાની દેખરેખ હેઠળ ટ્રેપનું ઓપરેશન પાર પાડયું હતું.