અમદાવાદમાં 23 જુલાઈથી ચોમાસું જામશે, આ તારીખે ભારે વરસાદ પડી શકે છે
સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડશે.
અમદાવાદમાં 23 જુલાઈથી ચોમાસું જામશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. અમદાવાદમાં ૨૩ જુલાઇના સાંજે ગાજવીજ સાથે જ્યારે ૨૪-૨૫ જુલાઇના નોંધપાત્ર વરસાદ પડી શકે છે. તેવું હવામાન વિભાગનું અનુમાન છે. બીજી તરફ હવામાન વિભાગ અને આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આજથી વરસાદી માહોલ રહેશે અને હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો માત્ર માત્ર ૧૯.૬૫% વરસાદ નોંધાયો છે.
આગામી શનિવાર-રવિવાર દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ પડે તેની પૂરી સંભાવના છે. આ સીઝનમાં અત્યારસુધી અમદાવાદ શહેરમાં ૯.૦૯ ઈંચ સાથે મોસમનો ૨૯.૦૫ ટકા જ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના મતે આગામી પાંચમાંથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં મંગળવારે નવસારી-વલસાડ-ડાંગ-દમણ-સુરત-તાપી, ગુરુવારથી શનિવાર નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેની સંભાવના છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડશે.
વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સુરત, તાપી જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગના મતે 23 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેથી 24 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ વધુ જામશે. હવામાન વિભાગે આ સાથે જ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ
સુરત જિલ્લાના કીમમાં રવિવારે વરસેલા વરસાદે બે દાયકાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. રવિવારે રાત્રે વરસેલા ચાર કલાકમાં ખાબકેલા 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદથી 15 વૃક્ષો ધરાશાયી થયા હતા. તો કામરેજના ભૈરવમાં 25 અને કઠોર ગામમાં 10 વીજપોલ પણ ધરાશાયી થતા 15 કલાક સુધી અંધારપટ છવાયો હતો.
બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ પોણા સાત ઈંચ અને નવસારીના ખેરગામ અને વાંસદામાં ત્રણ ઈંચ વરસાદથી 15 ગામના 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા થયા હતા. દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ સારો વરસાદ નોંધાયો હતો. રવિવારે દિવસ દરમિયાન વલસાડના ઉમરગામમાં 9.6 ઈંચ વરસાદ વરસ્યો હતો.