અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
Ahmedabad Rain: અમદાવાદમાં વરસી રહેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા એક વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું,

Ahmedabad Rain: અમદાવાદમાં વરસી રહેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા એક વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ, અને ખોખરા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીનો વધુ એક વખત ધબડકો થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
અમદાવાદમાં વરસાદી આંકડા અને પ્રભાવિત વિસ્તારો
- છેલ્લા કેટલાક કલાકોમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 1 થી 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જેણે શહેરને પાણી-પાણી કરી દીધું છે.
- પૂર્વ ઝોન: સરેરાશ 1.83 ઇંચ વરસાદ
- ઉત્તર ઝોન: સરેરાશ 2.5 ઇંચ વરસાદ
- દક્ષિણ ઝોન: સરેરાશ 1.25 ઇંચ વરસાદ
- રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર: 2 ઇંચ વરસાદ
- ખોખરા: 1.5 ઇંચ વરસાદ
- સરખેજ, જુહાપુરા: 1.5 ઇંચ વરસાદ
- જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, આનંદનગર, વાસણા, પાલડી: 1 થી 1.25 ઇંચ વરસાદ
જળબંબાકારથી પ્રભાવિત મુખ્ય વિસ્તારો:
મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, લાંભા, નારોલ, ખોખરા, પાલડી, આનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, શાહઆલમ, નિકોલ, નરોડા, સરસપુર, રખિયાલ, અજીતમિલ, ઓઢવ, વટવા, વસ્ત્રાલ, અસલાલી, મકરબા, ઠક્કરનગર, બાપુનગર, હાટકેશ્વર, CTM, ઘોડાસર, ઇસનપુર, થલતેજ, ગોતા, શીલજ, શેલા, સાયન્સ સિટી, મોટેરા, સાબરમતી, જગતપુર. આ તમામ વિસ્તારોમાં માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, અને સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે.
AMCની નિષ્ફળતા: પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાયો
અમદાવાદ મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં માત્ર 3 થી 4 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ રોકાયા પછી પણ પાણીના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગટર બેક મારવાની સમસ્યા: દાણીલીમડા સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી બેક મારવાની શરૂઆત થઈ, જે સ્વચ્છતા અને આરોગ્ય માટે જોખમી છે.
AMTS/BRTS ખોટકાઈ: બસો બંધ પડતા મુસાફરો અટવાયા. BRTS કોરિડોર નહેરમાં ફેરવાયો.
હાઈવે પર પાણી: અમદાવાદ-વડોદરા જુના હાઈવે પર, ખાસ કરીને અસલાલીથી વડોદરા હાઈવે સુધી, પાણી ભરાયા છે, જેનાથી વાહનવ્યવહારને અસર થઈ છે.
અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ અને એલર્ટ
અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય નવ જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાટણ, સિદ્ધપુર, અને વડગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે, જેમાં વડગામમાં આભ ફાટવા જેવો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને ધાનેરાના રવિયાથી અનાપુર જવાના માર્ગ પર પાણી ભરાતા 25 ગામોનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.





















