Ahmedabad: શું રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ મળશે 450 રુપિયામાં ગેસ સિલિન્ડર? સરકાર કરી શકે છે મોટી જાહેરાત
અમદાવાદ: ગુજરાતના BPL કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. BPL કાર્ડ ધારકોને આગામી સમયમાં 450 રુપિયામાં ગેસ સિલિન્ડર મળી શકે છે. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જાહેરાત થઈ શકે છે.
અમદાવાદ: ગુજરાતના BPL કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. BPL કાર્ડ ધારકોને આગામી સમયમાં 450 રુપિયામાં ગેસ સિલિન્ડર મળી શકે છે. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ 450માં ગેસ સિલિન્ડર મળી શકે છે. આ અંગે બજેટ સત્રમાં રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. બજેટમાં અથવા બજેટ સત્રમાં જાહેરાત થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં બીજેપીની સરકાર બન્યા બાદ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની કોઈ યોજના છે. આ જવાબ પછી લોકોમાં શંકા હતી કે ભાજપ ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનને પૂરું કરશે કે નહીં. હવે રાજ્ય સરકારે આ શંકા દૂર કરી છે અને કહ્યું છે કે ભાજપ સરકાર ચૂંટણી ઢંઢેરાના દરેક વચનને પૂર્ણ કરશે. આ માટે સીએમ ભજનલાલ શર્માએ અધિકારીઓને આયોજન કરવા સૂચના આપી છે.
તો બીજી તરફ રાજસ્થાનમાં 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત થયા બાદ ગુજરાતના વિપક્ષીદળોએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જો રાજસ્થાન સરકાર 450 રુપિયામાં સિલિન્ડર આપી શકે તો ગુજરાત સરકાર કેમ ન આપી શકે. જો કે, હવે સમચાર સામે આવ્યા છે કે, ગુજરાત સરકાર પણ આ મામલે ટૂંકમાં નિર્ણય લઈ શકે છે. જો આ નિર્ણય લેવામાં આવશે તો, રાજ્યના લાખો બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભ થઈ શકે છે.
જાણો રાજસ્થાનમાં કેવી રીતે મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર
કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 600 રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર આપી રહી છે. કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આનાથી વધુ છૂટ નહીં આપે. રાજસ્થાનમાં ભાજપે આપેલા વચનને પૂર્ણ કરવા માટે ભજનલાલ સરકારે 450 રૂપિયાથી વધુની રકમ એટલે કે 150 રૂપિયા પોતાના સ્તરે ચૂકવવા પડશે. રાજ્યમાં લગભગ 70 લાખ પરિવારો ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા છે. રાજ્ય સરકાર તેના ખાતામાંથી આ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ રૂ. 150 ચૂકવશે. આમ કરવાથી રાજ્ય સરકાર પર દર મહિને 105 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે.