કેજરીવાલને એરપોર્ટ પર કોણે કહ્યું, 'ઇસુદાન તો ગુજરાતના કેજરીવાલ છે'
અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમની હાજરીમાં આજે પત્રકાર ઇસુદાન ગઢવી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવી અને બુકે આપી તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
અમદાવાદઃ આજે દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમની હાજરીમાં આજે પત્રકાર ઇસુદાન ગઢવી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવી અને બુકે આપી તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
તેમના સ્વાગતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આજે અમદાવાદ એરપોર્ટ પર મને એક કર્મચારીએ કહ્યું, મારે તમારી સાથે સેલ્ફી લેવી છે. તેમણે સેલ્ફી લીધા પછી મને પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા છો? તો તેમણે કહ્યું કે, આજે ઇસુદાન ગઢવી આપમાં જોડાવાના છે એટલે આવ્યો છું. તો તેમણે કહ્યું કે, ઇસુદાન ગઢવી તો ગુજરાતના કેજરીવાલ છે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઇસુદાન ગુજરાતના કેજરીવાલ છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન છે. રજવાડામાં વહેંચાયેલા દેશને સરદાર પટેલે મહેનત કરીને એક કર્યો. છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસે દેશની હાલત બગાડી છે. છેલ્લા 27 વર્ષમાં ભાજપ- કોંગ્રેસની દોસ્તીની સરકાર છે. જ્યારે ભાજપને જરૂર હોય ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે. ગુજરાતના લોકો, વેપારીઓ ડરેલા છે. ચેમ્બરમાં મારો કાર્યક્રમ યોજાયો હતો જે, સત્તાપક્ષે રદ્દ કરાવ્યો હતો. કોરોનાકાળમાં ગુજરાતને અનાથ તરીકે છોડી દેવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પાસે વિકલ્પ ન રહ્યો હતો. હવે ગુજરાતના લોકોને એક સમર્થ વિકલ્પ મળશે. હવે બદલાશે ગુજરાત. આપ તમામ બેઠક પર વિધાનસભા ચૂંટણી લડશે. શિક્ષણ, આરોગ્ય મુદ્દે આપ ચૂંટણી લડશે. દિલ્લી મોડલ ગુજરાતનું મોડલ ન હોઈ શકે. દરેક રાજ્યની અલગ અલગ સમસ્યા હોય છે. અમે કોઈ પક્ષ કે વ્યક્તિ, નેતાની વિરુદ્ધ નથી.
તેમણે આજે વલ્લભ સદનની મુલાકાત લીધી હતી. AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિરથી કરી હતી. તેમજ કેજરીવાલે વલ્લભ સદન શ્રી નાથજીના મંદિર ખાતે પત્રકાર પરીષદ યોજી હતી. વલ્લભ સદન શ્રીજી ચરણમાં કેજરીવાલ પૂજન અર્ચન કર્યું હતું. પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી.