ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ, ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી
ગુજરાત ATSએ અલકાયદાના જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત ATSની કસ્ટડીમાં છે.
અમદાવાદ: ગુજરાત ATSએ અલકાયદાના જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત ATSની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
ગુજરાત ATSને બાતમી મળી હતી
ગુજરાત ATSને બાતમી મળી હતી કે બાંગ્લાદેશના 4 આતંકી અમદાવાદના નારોલ અને ઓઢવ વિસ્તારમાં રહે છે. બાતમીના આધારે ATSએ બાંગ્લાદેશના મોહમ્મદ સોજીબ નામના આતંકીને દબોચી લીધો હતો. આકાશ ખાન, મુન્ના ખાન અને અબ્દુલ લતીફની શોધખોળ ચાલી રહી છે. મોહમ્મદ સોજિબ બાંગ્લાદેશી હેન્ડલર શરીફૂલ ઈસ્લામ સાથે સંપર્કમાં હતો. બાંગ્લાદેશથી હેન્ડલર શરીફૂલ દિશા-નિર્દેશ આપતો હતો જેમાં નવી ભરતી થનારાઓને ઓળખવાનું તેમને કટ્ટરપંથી બનાવવાનું અને તેમને આ વિચારધારામાં જોડાવવા માટે પ્રોત્સાહિત કરવાનું. અલકાયદાની વિચારધારા પ્રચાર-પ્રસાર માટે ફંડ પણ એકઠું કરતાં હતા. આતંકી સોજિબના ઘરે તપાસ કરાતા અલકાયદા દ્વારા પ્રકાશિત કટ્ટરવાદી સાહિત્ય મળી આવ્યું છે. આ સાથે જ ભારતીય નાગરિક હોવાના ખોટા દસ્તાવેજ પણ જપ્ત કરાયા છે.
ATSએ મોટી કાર્યવાહી કરી
બે દિવસ પહેલા ગુજરાતમાં આતંકી હુમલાના(Terrorist Attack) IBના એલર્ટ બાદ ATSએ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે.
સક્રિય જૂથનો પર્દાફાશ થયો
પૂછપરછમાં અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે.
3 બાંગ્લાદેશી યુવકો ક્યા હેતુથી ગુજરાત આવ્યા અને કેવી રીતે ગુજરાત પહોંચ્યા તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. કોઇને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યા છે અને કઇ કઇ જગ્યાએ તેમણે આ પ્રકારની કામગીરી કરી છે તે અંગેની વધુ પૂછપરછ હાથ ધરી છે.