IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ 3rd ODI Post Match: ઈન્દોરમાં કિવી ટીમની ઐતિહાસિક જીત: 2-1 થી શ્રેણી ગુમાવ્યા બાદ ગિલે કહ્યું- 'અમે નિરાશ છીએ, વર્લ્ડ કપ પહેલા સુધારા જરૂરી'; હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડી પર આપ્યું મોટું નિવેદન.

IND vs NZ 3rd ODI Post Match: ભારતીય ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે, કારણ કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ભારતીય ધરતી પર એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં કિવી ટીમે ભારતને 41 રને પરાજય આપીને 3 મેચની શ્રેણી 2-1 થી પોતાના નામે કરી લીધી છે. આ માત્ર એક શ્રેણીની જીત નથી, પરંતુ ઈતિહાસમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ટીમ ભારતમાં દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતવામાં સફળ રહી છે.
નવાઈની વાત એ છે કે કેન વિલિયમસન, મેટ હેનરી અને મિશેલ સેન્ટનર જેવા દિગ્ગજ સ્ટાર્સની ગેરહાજરીમાં માઈકલ બ્રેસવેલની કેપ્ટનશીપ હેઠળની ટીમે દબાણ વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી 'ચેઝ માસ્ટર' વિરાટ કોહલીએ મુશ્કેલ સમયમાં બાથ ભીડીને શાનદાર સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઘરઆંગણે મળેલી આ કારમી હાર બાદ ભારતીય ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) ખુલીને વાત કરી હતી અને હારના કારણો પર પ્રકાશ ફેંક્યો હતો. ગિલે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં સ્વીકાર્યું કે ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. તેણે કહ્યું, "પહેલી મેચ બાદ શ્રેણી 1-1 થી બરાબરી પર હતી, પરંતુ નિર્ણાયક મેચમાં અમે જે રીતે રમ્યા તેનાથી અમે ખૂબ જ નિરાશ છીએ. એવા ઘણા ક્ષેત્રો છે જેના પર આપણે ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવાની અને સુધાર કરવાની જરૂર છે." જોકે, તેણે વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યું કે વિરાટ જે લયમાં બેટિંગ કરી રહ્યો છે તે ટીમ માટે હંમેશા સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે.
હાર વચ્ચે પણ શુભમન ગિલે કેટલાક ખેલાડીઓના પ્રદર્શનને સકારાત્મક ગણાવ્યું હતું. તેણે ખાસ કરીને હર્ષિત રાણાની પ્રશંસા કરતા કહ્યું કે, "8 નંબર પર આવીને બેટિંગ કરવી અને રન બનાવવા આસાન નથી હોતું, પરંતુ રાણાએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી છે. ઝડપી બોલરોનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું." આ ઉપરાંત, આગામી ટી20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ને ધ્યાનમાં રાખીને ગિલે ટીમની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેણે કહ્યું કે મેનેજમેન્ટ નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓને વધુ તકો અને ઓવરો આપવા માંગે છે, જેથી વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ ટીમ કોમ્બિનેશન તૈયાર કરી શકાય.
હવે વનડે શ્રેણી પૂરી થયા બાદ એક્શન ટી20 ફોર્મેટમાં શિફ્ટ થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 21 January થી નાગપુરમાં 5 મેચની ટી20 શ્રેણીનો પ્રારંભ થશે, જેની અંતિમ મેચ 31 January એ તિરુવનંતપુરમમાં રમાશે. આ શ્રેણી વર્લ્ડ કપની તૈયારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ત્યારબાદ ભારતીય ટીમ 7 February થી શરૂ થતા ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.




















