નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા, અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
Rain Forecast: ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત મેઘરાજાની તોફાની ઇનિંગ્સ સાથે થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

Rain Forecast: ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત મેઘરાજાની તોફાની ઇનિંગ્સ સાથે થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસું ફરી જોર પકડશે
બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનું જોર વધશે. ૩ સપ્ટેમ્બરથી ૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે અને અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજકોટ, મોરબી, ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગર અને ધાંગધ્રા જેવા ભાગોમાં હળવા અને ભારે વરસાદની સંભાવના છે. કચ્છના વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી છે.
મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા
ચાર અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ અને મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના એવા વિસ્તારો જ્યાં ઓછો વરસાદ થયો છે, ત્યાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે.
નવરાત્રી અને ઓક્ટોબર-નવેમ્બરમાં હવામાનમાં પલટો
૧૨ થી ૧૪ સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ૧૫ સપ્ટેમ્બરની આસપાસ જમ્મુ-કાશ્મીર, ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે. જોકે, ૧૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે ભારે ગરમી વચ્ચે પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. નવરાત્રી દરમિયાન પણ છઠ્ઠા નોરતાથી દશેરા સુધી કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે, અને ૨૫ સપ્ટેમ્બર બાદ રાજસ્થાનમાંથી ચોમાસું પીછેહઠ કરે છતાં પણ વરસાદ થવાની સંભાવના છે.
ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનવાની શક્યતા છે, જેના કારણે લા નીનાની સ્થિતિ સર્જાઈ શકે છે. આને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાં અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ ભારે ચક્રવાતોના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે, અને દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.




















