લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે. માસ્ટર ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના પેપરમાં ગંભીર ભૂલ સામે આવી છે.

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ખૂબ જ મોટો છબરડો સામે આવ્યો છે. માસ્ટર ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના પેપરમાં ગંભીર ભૂલ સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા MMCJ માં આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું છે. આવતીકાલની પરીક્ષાનું પેપર આજે આપી દેવામાં આવતા થોડીવાર તો વિદ્યાર્થીઓ પણ પરીક્ષાનું પેપર જોઈને ચોંકી ગયા હતા. હાલ તો તમામ સ્ટાફ અત્યારે પરીક્ષા વિભાગ પહોંચ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીર ભૂલ સામે આવી છે.
આવતીકાલનું પેપર આજે આપ્યું
મીડિયા રિસર્ચના વિષયની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું છે. હાલ તો ગંભીર ભૂલને લઈ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ માસ કમ્યુનિકેશન જર્નાલીઝમ એન્ડ પબ્લિક રિલેશનના હેડ સોનલ પંડયાએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. તેમના જણાવ્યા મુજબ માત્ર બે વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આપી દેવામાં આવ્યું હતું. તારીખ ધ્યાનમાં આવતા પેપર પરત લઈ લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે 30 મિનિટ વધુ ફાળવવામાં આવશે.
વિદ્યાર્થીઓનો સમય બગડતા વધારાનો સમય આપવામાં આવ્યો
છબરડા અંગે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા નિયામક કલ્પીન વોરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આજે મીડિયા રિસર્ચનું 502 નંબરનું પેપર હતું. તેના બદલે આવતીકાલનું 503 નંબરનું પેપર વિદ્યાર્થીને આપી દીધું છે. વિદ્યાર્થીઓએ વિરોધ કરી પરીક્ષા સુપરવાઇઝરનું ધ્યાન દોર્યું હતું. બાદમાં યુનિવર્સિટી તંત્ર દ્વારા ભૂલ સુધારી વિદ્યાર્થીઓને મીડિયા રિસર્ચનું પેપર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો સમય બગડતા વધારાનો સમય આપવામાં આવ્યો છે. આવતીકાલે નવું પેપર તૈયાર કરવામાં આવશે.
છબરડાની તપાસના આદેશ આપવામાં આવ્યા
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કલ્પીન વોરાએ કહ્યું કે, પેપર સેટની ભૂલ છે. વિભાગીય વડા સોનલબેનને જાણ કરીને છબરડાની તપાસના આદેશ આપ્યા છે. તમામ સ્ટાફ અત્યારે પરીક્ષા વિભાગ પહોચ્યો છે. મીડિયા રિસર્ચના વિષયની પરીક્ષામાં આવતીકાલનું પેપર આપી દેવામાં આવ્યું છે.
અવારનવાર પરીક્ષામાં આ પ્રકારના છબરડાઓ સામે આવતા રહે છે
યુનિવર્સિટીમાં અવારનવાર પરીક્ષામાં આ પ્રકારના છબરડાઓ સામે આવતા રહે છે. આ પ્રકારની ગંભીર ભૂલને લઈ શિક્ષણની ગુણવત્તા અને સત્તાધીશોની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પરીક્ષાનું સંચાલન કરવામાં ગુજરાત યુનિવર્સિટીની મોટી ભૂલ સામે આવી છે.





















