Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, ગુજરાતનું હવામાન 5 દિવસ મુખયત્વે ડ્રાય રહેશે. આવનારા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં મોટો કોઇ ફેરફાર નહીં થાય .
Gujarat Weather Update: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી જાણે શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો તેમ ગરમી અનુભવાઇ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેશે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે અને તે બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, ગુજરાતનું હવામાન 5 દિવસ મુખયત્વે ડ્રાય રહેશે. આવનારા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં મોટો કોઇ ફેરફાર નહીં થાય પરંતુ આગામી બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જે બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો જોવા મળશે. પવન અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યુ કે, આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 25થી 35 પ્રતિ કલાકની સ્પીડ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો જમીનના વિસ્તારની વાત કરીએ તો હવા ઉત્તર પશ્ચિમ દિશા ફૂંકાવવાની શક્યતા છે. આ સાથે અહીં 8થી 15 કિમી પ્રતિ કલાકની સ્પીડે હવા ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર દિશામાંથી પવન ફૂંકાવવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે જ્યારે હવા પૂર્વ દિશામાંથી ફૂંકાવવાની શરૂ થશે ત્યારે તાપમાનમાં ફરીથી વધારો નોંધાશે.
બનાસકાંઠામાં કમોસમી વરસાદ
મંગળવારની રાતે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. બનાસકાંઠાના ધાનેરાના બાપલા, વાછોલ, કુંડી સહિતના વિસ્તારોમાં માવઠું, કમોસમી વરસાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ હતી. માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.
શ્રીનગરમાં હિમવર્ષા થઈ છે. છેલ્લા 48 કલાકમાં જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારથી વરસાદનો સામનો કરી રહેલા શ્રીનગરમાં દિવસની શરૂઆતમાં મધ્યમ હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગ, સોનમર્ગ, શોપિયાં, ગુરેઝ, માછિલ અને ઘાટીના અન્ય પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાના સમાચાર છે. બારામુલ્લા જિલ્લામાં સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગ, જે બુધવારથી ચોથી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની યજમાની માટે સુનિશ્ચિત છે, ત્યાં છેલ્લા 48 કલાકમાં લગભગ 2.5 ફૂટ તાજી હિમવર્ષા થઈ છે. સાધના ટોપ (પાંચ ફૂટ), રાઝદાન ટોપ (પાંચ ફૂટ), તુલૈલ-ગુરેઝ (ચાર ફૂટ) અને સોનમર્ગ (4.5 ફૂટ) પર ચાર ફૂટથી વધુ બરફ જમા થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આજે પણ ભારે હિમવર્ષા જારી રહેશે.