Gujarat Weather: અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન
24 કલાક બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. પવનની દિશા બદલાવાના કારણે તાપમાનમાં ઘટાડો થશે.
Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આજે સુરત, પોરબંદર, જૂનાગઢમાં સીવિયર હિટવેવની આગાહી છે, જ્યારે ગીર સોમનાથ, ભાવનગર હિટવેવની આગાહી છે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 24 કલાક બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. પવનની દિશા બદલાવાના કારણે તાપમાનમાં ઘટાડો થશે.
વડોદરા શહેરનું તાપમાન 41 - 42 ડીગ્રી પર પહોંચ્યું છે, જે 43.8 સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન વડોદરામાં 43.8 ડીગ્રી નોંધાયું હતું.
ભારતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 'મોચા' વાવાઝોડાનો સંકટ સક્રિય થતો જોવા મળે છે. હવામન વિભાગ અનુસાર, આજે આ વાવાઝોડું તોફાનની સ્થિતિમાં ફેરવાઈ શકે છે. પરિણામે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગઈકાલે મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. આ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. સાથે જ 'મોચા' વાવાઝોડાના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે અને ત્યાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અનુમાન છે કે, દક્ષિણપૂર્વ બંગાળમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થઈ શકે છે.
યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની સ્થિતિ વિશે જણાવવા માટે યલો એલર્ટ જારી કરવામાં આવે છે. આ એક પ્રકારની એલાર્મ બેલ છે. જે સંકેત આપે છે કે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ખતરો નથી, પરંતુ ખતરનાક હવામાન ગમે ત્યારે તમારી સામે આવી શકે છે, તેના માટે તૈયાર રહો. 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હોય ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે.
ઓરેન્જ એલર્ટ
ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ કરતા એક ડગલું આગળ છે. મતલબ કે ખતરો આવી રહ્યો છે. હવે તમારે બેદરકાર ન રહેવું જોઈએ. આ પછી ગમે ત્યારે ખતરનાક હવામાન તમારી સામે આવી શકે છે. આવી સ્થિતિમાં, તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરો. જ્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે, ત્યારે સંબંધિત અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવે છે અને લોકોને આવતા-જતા સાવચેતી રાખવા માટે કહેવામાં આવે છે. 43 થી 46 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા હોય ત્યારે ઓરેન્જ એલર્ટ અપાય છે.
રેડ એલર્ટ
જ્યારે હવામાન ખૂબ જ ખરાબ છે અને તેના કારણે નુકસાન થવાની સંભાવના છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. આ ખતરનાક હવામાનની નિશાની છે. લોકોને એલર્ટ કરવા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે કે હવે તમારે તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. શિયાળામાં રેડ એલર્ટનો અર્થ ખતરનાક ઠંડીની સ્થિતિ છે, જ્યારે વરસાદની મોસમમાં રેડ એલર્ટનો અર્થ પૂર, તોફાન અથવા નુકસાનકારક વરસાદ થાય છે. રેડ એલર્ટ બાદ લોકોએ બેદરકારી ન રાખવી જોઈએ. આવી સ્થિતિમાં તે ઋતુના પ્રકોપથી બચવાની વ્યવસ્થા કરવી જોઈએ. 47થી ડિગ્રી વધુ તાપમાનની શક્યતા હોય ત્યારે રેડ એલર્ટ અપાય છે.