Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ
શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.

અમદાવાદ: શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદ નગર, બોપલ, શેલા, થલતેજ, ઈસ્કોન, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
સાંજના સમયે વરસાદના આગમનથી રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં સાંજે વરસાદી ઝાપટાથી રસ્તા પાણી-પાણી થયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી અને લાઠી પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલી પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું. લાઠી શહેરમાં વરસાદ વરસ્યો હતો. શહેર સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છ. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠે DW-2 સિગ્નલ લગાવાયું છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર સંભવિત વાવાઝોડા શક્તિને લઈ વહીવટી તંત્ર ખડે પગે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદ, જામનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્ર સાબદુ બન્યું છે.
વાવાઝોડાને ધ્યાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ દૂર કરવામાં આવ્યા છે. જરૂર પડશે તો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી શકે છે. દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 25 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે.




















