Ahmedabad: ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની એક સ્કૂલમાં બની છે. ઘાટલોડિયામાં આવેલી નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.

અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની એક સ્કૂલમાં બની છે. ઘાટલોડિયામાં આવેલી નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં વિદ્યાર્થીએ કડું મારતા અન્ય વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
શું બની હતી સમગ્ર ઘટના
ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ અને પટ્ટાથી માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
વિદ્યાર્થીઓ વચ્ચે પટ્ટા વડે મારામારી થઈ
આ ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં વિદ્યાર્થીને છરી મારી હોવાની માહિતી મળી હતી પરંતુ સ્કૂલે આ વાતને નકારી કાઢી છે. વિદ્યાર્થીઓ વચ્ચે પટ્ટા અને હાથમાં પહેરવાના કડા વડે મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો.
જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ તે ધોરણ 10ના હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોર વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની કરાઈ હતી હત્યા
19 ઓગસ્ટ, 2025ના દિવસે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી.
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટના દિવસે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થિની નજીવી બાબતે પર હુમલો કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જેના લીધે એક વિદ્યાર્થીનું મોત થયું હતું. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યાબાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને વાલીઓએ શાળા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.





















