Gandhinagar: અમદાવાદ RTOમાં મંજૂર મહેકમ સામે કેટલી જગ્યાઓ છે ખાલી ? જાણો વિગત
Ahmedabad News: અમદાવાદ RTO કચેરીમાં મંજૂર મહેકમ સામે 50 ટકા જગ્યાઓ ખાલી છે.
Gandhinagar: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણના સવાલમાં સરકારે લેખિત જવાબ આપતાં જણાવ્યું, અમદાવાદ RTO કચેરીમાં મંજૂર મહેકમ સામે 50 ટકા જગ્યાઓ ખાલી છે. RTO કચેરી સુભાષ બ્રિજમાં 232 મંજૂર જગ્યા સામે 116 જગ્યાઓ, ARTO અમદાવાદ પૂર્વ માં 68 મંજૂર જગ્યા સામે 26 જગ્યા તથા ARTO અમદાવાદ ગ્રામ્ય માં 40 મંજૂર જગ્યાઓ સામે 19 જગ્યા ખાલી છે. આ સિવાય ભાવનગર RTO માં 73 જગ્યાઓ સામે 27 જગ્યાઓ ખાલી છે.
ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના અંગે કુલ કેટલી ફરિયાદ નોંધાઇ ?
વિધાનસભામાં રાજ્યમાં પેપર ફૂટવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો કે, રાજ્યમાં પેપર ફૂટવાની ઘટના અંગે કુલ 5 ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા બે વર્ષમાં પેપર ફૂટવાની બનેલી ઘટનામાં 20 આરોપી પકડવાના બાકી છે. 5 ગુનામાં કુલ 121 ગુનેગારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 121 પૈકી 101 ગુનેગારો પકડાયા હજુ 20 ગુનેગારો પકડવાના બાકી છે.
ભાજપ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 માટે ઐતિહાસિક ₹3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું. જે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. બજેટની ખાસ વાત એ રહી કે નવા કોઈ કરવેરા લાદવામાં આવ્યા નથી કે કોઈ કરવેરામાં ઘટાડો નથી કરાયો. આ બજેટ ગુજરાતની વિકાસ યાત્રાના પાંચ સ્તંભ (1) સમાજના ગરીબ વર્ગ માટે પાયાની સુવિધા સાથે સામાજિક સુવિધા આપવી (2) માનવ સંસાધન વિકાસ (3) વિશ્વસ્તરીય આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ (4) ખાનગી રોકાણને પ્રોત્સાહન અને (5) વિકાસ થકી પર્યાવરણનું સંરક્ષણ પર રજૂ કરવામાં આવ્યું.
આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે રૂ. 57,053 કરોડનો બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં સૌથી વધુ ફાળવણી શિક્ષણ વિભાગને કરવામાં આવી. શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 43,651 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બીજા નંબરે આરોગ્ય વિભાગને વધુ બજેટ ફાળવવામાં આવ્યું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ.5580 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ.આંબેડકર ભવન બાંધવા માટે રૂપિયા 5 કરોડ તથા વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે રૂપિયા 8 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 6064 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ8738 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની તથા
રીવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકિય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 1390 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ. 20,642 કરોડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ રૂ. 568 કરોડ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ રૂ. 10,743 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પાણી પુરવઠા પ્રભાગ માટે રૂ. 6000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના - મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ કુટુંબ દીઠ વિમાની વાર્ષિક મર્યાદા રૂ.5 લાખથી વધારીને ₹10 લાખ કરવાની જાહેરાત બજેટમાં થઈ છે.