Ahmedabad: અમદાવાદમાં ફરી મસમોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ક્રાઈમ બાંચે 2 નશાના સોદાગરોને ઝડપી પાડ્યા
પોલીસની તપાસમાં સામે આવ્યું કે બંને શખ્સો ઉત્તરપ્રદેશથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતાં.
અમદાવાદ: અમદાવાદમાં ફરી એકવાર મસમોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે યુવાધનને બરબાદ કરવા ઠાલવાયેલા 49 લાખ 58 હજારની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે નશાના સોદાગરોને ઝડપી પાડ્યા છે. ક્રાઈમબ્રાંચને માહિતી મળી હતી કે રખિયાલમાં રહેતો આઝમખાન અલીમહમદ પઠાણ અને અન્ય એક શખ્સ ડ્રગ્સનો જથ્થો લઈ અસલાલી- હાથીજણ રીંગ રોડ પર આવેલી રોડલાઈન્સની ઓફિસ નજીક હાજર છે.
જેના આધારે ક્રાઈમબ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો. આ સમયે આઝમખાન અને ઉત્તરપ્રદેશના કૈફખાન પઠાણના કબ્જામાંથી 485.80 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે બંને શખ્સો ઉત્તરપ્રદેશથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતાં. બંને શખ્સો બાપુનગર વિસ્તારમાં છૂટકમાં ડ્રગ્સનો જથ્થો વેચતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. પોલીસે ડ્રગ્સના જથ્થાનું પૃથ્થકરણ કરાવતા ઊંચી ક્વોલિટીનો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્રાઈમબ્રાંચે આ સંપૂર્ણ નેટવર્કનો પર્દાફાશ કરવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરતમાં 60 ટન ગૌ-કાષ્ટ તૈયાર કરી પ્રગટાવવામાં આવશે વૈદિક હોળી
રાજ્યમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ,કારણ કે આ પર્યાવરણના લક્ષી છે અને બીજી બાજુ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ પણ મળી જશે. પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે 60000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટાપાયે કરવામાં આવશે.
કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 60 હજાર કિલો ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનું ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.
સુરત પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે આ માટે અદ્યતન મશીનનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10500 ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આજ કારણ છે કે 60 ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છે જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે. જોવા જઈએ તો જ્યારે લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 20 રૂપિયા છે.