અમદાવાદમાં ચૂંટણી બાદ કોરોના વિસ્ફોટ, 15 દિવસમાં દર્દીની સંખ્યા 13 ટકા વધી
અમદાવાદ હોસ્પિટલ એંડ નર્સિંગ હોમ એસોસિએશનના સત્તાવાર આંકડા મુજબ હાલ HDUમાં 23 ટકા, આઈસોલેશન વૉર્ડમાં 19 ટકા તથા વેંટિલેટર સાથે અને વેંટિલેટર વગરના ICUમાં 16 ટકા બેડ ભરાઈ ગયા છે.
અમદાવાદમાં ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાની સાથે જ હવે હોસ્પિટલના બેડો પણ ભરી ભરાવા લાગ્યા છે. શહેરમાં એક માર્ચના ખાનગી હોસ્પિટલમાં માત્ર 7 ટકા બેડ ભરેલા હતાં. પરંતું 15 માર્ચ સુધીમાં લગભગ 20 ટકા ભરાઈ ગયા છે. એટલે કે દર્દીની સંખ્યામાં 15 જ દિવસમાં 13 ટકાનો વધારો નોંધાયો છે.
અમદાવાદ હોસ્પિટલ એંડ નર્સિંગ હોમ એસોસિએશનના સત્તાવાર આંકડા મુજબ હાલ HDUમાં 23 ટકા, આઈસોલેશન વૉર્ડમાં 19 ટકા તથા વેંટિલેટર સાથે અને વેંટિલેટર વગરના ICUમાં 16 ટકા બેડ ભરાઈ ગયા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલાં કોરોનાના કેસ બાદ સોમવારે કોરોનાનો રાફડો ફાટ્યો હતો. 24 ડિસેમ્બર બાદ અમદાવાદમાં પહેલી વખત કોરોનાના નવા 205 કેસ એક જ દિવસમાં નોંધાયા છે.
આ સાથે શહેરના સાઉથ બોપલ, નવરંગપુરા, ચાંદખેડા અને ગોતા વોર્ડના એમ કુલ ચાર નવા સંક્રમિત સ્થળને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માઈક્રો કંટેઈનમેંટ ઝોનમાં મૂક્યા છે. શહેરમાં હાલની પરિસ્થિતિમાં કુલ 48 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
શહેરમાં હાલમાં કોરોનાના કુલ 530 એકિટવ કેસ હોવાનું મ્યુનિસિપલ પ્રશાસને સત્તાવાર રીતે જાહેર કર્યું છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ગાલા એરીયાના 16 મકાનમાં રહેતા 33 લોકો, ચાંદખેડા વોર્ડમાં આવેલા દેવ પ્રાઈમ ફલેટના 32 મકાનમાં રહેતા 128 લોકો, નવરંગપુરા વોર્ડમાં આવેલી સ્વસ્તીક સોસાયટીના બે મકાનમાં રહેતા બાર લોકો અને ગોતા વોર્ડમાં આવેલાં 42 પાર્ક વ્યૂ એપાર્ટમેન્ટમાં 12 મકાનમાં રહેતા પચાસ લોકોને કોરોના કેસની સંખ્યાના આધારે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.