વેક્સિન નહીં તો પ્રવેશ નહીં, અમદાવાદમાં આ જગ્યાએ વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત બતાવવું પડશે
બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તેઓએ બીજો ડોઝ નહિ લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી બિલ્ડીંગમાં AMC હસ્તક તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ આપવામાં આવશે નહિં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. તેની સાથે સાથે AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે.
આ નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે 20 સપ્ટેમ્બરથી એન્ટ્રી પોઈન્ટ પર વેક્સિન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવશે. AMTS-BRTS બસ, કાંકરિયા વગેરે જગ્યાએ વેક્સિનનો પહેલો ડોઝ લીધેલો હોવો જરૂરી છે. તેમજ બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તેઓએ બીજો ડોઝ નહિ લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી બિલ્ડીંગમાં AMC હસ્તક તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ આપવામાં આવશે નહિં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.
ગુજરાતમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન, એક જ દિવસમાં 22.15 લાખથી વધુ રસીના ડોઝ અપાયા
રાજ્યમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવી. આ સાથે જ રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે ૫.૫૭ કરોડ થઇ ગયો છે. જેમાંથી ૩.૯૫ કરોડે પ્રથમ ડોઝ અને ૧.૬૧ કરોડ લોકોએ બંન્ને ડોઝ લઈ લીધા છે. દેશમાં કુલ સૌથી વધુ વેક્સિનેશનના ડોઝ અપાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૯.૩૧ કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૭.૧૮ કરોડ સાથે બીજા, મધ્ય પ્રદેશ ૫.૬૧ કરોડ સાથે ત્રીજા, ગુજરાત ચોથા અને રાજસ્થાન ૫.૨૭ કરોડ સાથે પાંચમાં સ્થાને છે.
રાજ્યમાં એક જ દિવસમાં સુરત કોર્પોરેશનમાંથી સૌથી વધુ ૧.૮૬ લાખને રસી અપાઈ. તો અમદાવાદ કોર્પોરેશનમાંથી ૧.૪૨ લાખ લોકોને રસી અપાઈ. મહેસાણામાં ૭૬ હજાર ૨૨૧, બનાસકાંઠામાં ૭૫ હજાર ૫૪૯, અમદાવાદ ગ્રામ્યમાંથી ૭૪ હજાર ૮૭૨ને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કુલ સૌથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હોય તેમાં અમદાવાદ કોર્પોરેશન ૫૩.૭૭ લાખ સાથે મોખરે છે. તો સુરત કોર્પોરેશન ૪૫.૫૦ લાખ સાથે બીજા, બનાસકાંઠા ૨૮.૨૬ લાખ સાથે ત્રીજા, વડોદરા કોર્પોરેશન ૨૦.૮૧ લાખ સાથે ચોથા અને આણંદ ૧૯.૩૧ લાખ સાથે પાંચમાં સ્થાને છે.