Gujarat Election 2022: બીજા તબક્કાના મતદાન પહેલા અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામે આપ્યું મોટું નિવેદન
Gujarat Assembly Election 2022: અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.
Gujarat Assembly Election 2022: અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો 2012ને યાદ કરવા માટે વોટ્સએપ પર એકબીજાને મેસેજ કરી રહ્યા છે. 2012માં મતોનું વિભાજન થયું અને જમાલપુરમાં ભાજપની જીત થઈ. મુસલમાનોના મનમાં એક વાત છે કે મતોનું વિભાજન ન થવું જોઈએ અને જે જીતવા જઈ રહ્યો છે તેને જીતાડવો જોઈએ.
ઈમામે આમ આદમી પાર્ટી અંગે કહ્યું કે, ગુજરાતમાં ત્રીજા પક્ષને અવકાશ નથી. અગાઉ પણ લોકો આવ્યા હતા પણ જીત્યા નહોતા. ભાજપ સાથે તો છે જ, જો હવે તમે કોંગ્રેસ સાથે પણ દુશ્મની વહોરી લેશો તો તમારી સાથે શું થશે? ઓવૈસીના ચાર-પાંચ ધારાસભ્યો જીતશે તો પણ વિધાનસભામાં શું કરશે? યુપીમાં ઓવૈસીની રેલીમાં ઘણી ભીડ હતી, પરંતુ જ્યારે બોક્સ ખોલ્યું તો તે શૂન્ય હતું. ભાજપ સરકાર બનાવશે, પછી તે જીતે કે હારે.
પાદરામાં દિનુમામાનું શક્તિ પ્રદર્શન
બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ભાજપમાંથી નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ પાર્ટી માટે સંકટ ઉભુ કર્યું છે. વડોદરાના પાદરામાં ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિનેશ પટેલે શક્તિ પ્રદર્શન કર્યું છે. ચૂંટણી પડઘમ શાંત થાય તે પૂર્વે જ પાદરામાં મોટું શકિત પ્રદર્શન યોજતા રાજકીય ગરમાવો આવી ગયો છે. દિનેશ પટેલના આયોજનમાં હજારોની ભીડ ભેગી થઈ હતી. પાદરા નગરમાં દિનુમામાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આદિવાસી વિસ્તારમાં 10 લાખ વોટ વધુ પડ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ જશે. પક્ષો-ઉમેદવારો આજે સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને લઈ તમામ રાજકીય પક્ષોની ચિંતા વધી છે. આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. છોટા ઉદેપુર ભાજપ જિલ્લા કાર્યાલયની અચાનક મુલાકાતે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું 2017 કરતાં કુલ મત વધારે પડ્યાં છે, આદિવાસી વિસ્તારમાં 10 લાખ વોટ વધુ પડ્યા, અમારી જીત પાક્કી છે.
પ્રથમ તબક્કામાં કેટલું થયું મતદાન
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના ફાઇનલ આંકડા પ્રમાણે કુલ સરેરાશ 63.14 ટકા મતદાન થયું છે, જે ગત ચૂંટણીની સરખામણીમાં પાંચ ટકાનો ઘટાડો દર્શાવે છે. દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન થયું છે. રાજયના 19 જિલ્લા પૈકી નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા અને તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં 57.58 ટકા મતદાન થયું છે. આ વિસ્તારમાં મોરબી જિલ્લામાં 69.45 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં મતદારોમાં વધારો થયો છે પરંતુ મતદાની ટકાવારી ઘટી હોવાથી રાજકીય પાર્ટીઓમાં ચિંતાનો વિષય બન્યો છે. ભારતના ચૂંટણી પંચે 80 ટકાથી વધારે મતદાન થાય તે માટે અભિયાન ચલાવ્યું હતું પરંતુ મતદારોએ તેને નિષ્ફળ બનાવ્યું છે.
5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
- અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
- આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
- ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
- મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
- પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
- દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
- વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
- છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)