ગુજરાત હાઈકોર્ટે દારૂબંધી અંગે આપ્યો શું મોટો ચુકાદો ? પોલીસને શું કર્યો આદેશ ?
અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એક આરોપી સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તેના આધારે તેને બૂટલેગર ગણી ‘પાસા’ હેઠળ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દારૂબંધીના કેસમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છેદારૂબંધીના માત્ર એક કેસના આધારે કોઇ આરોપીને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ) હેઠળ જેલમાં ધકેલી ન શકાય તેવું અવલોકન કરીને ગુજરાત હાઇકોર્ટે આરોપીને ‘પાસા’ હેઠળ ધકેલવાનો નિર્ણય રદ કરતો ચુકાદો આપ્યો છે. અમદાવાદમાં નોંધાયેલી પ્રોહિબિશન એક્ટ હેઠળની એક ફરિયાદમાં આરોપીને ‘પાસા’ હેઠળ ધકેલવાના આદેશને હાઇકોર્ટની ખંડપીઠે રદ કર્યો છે. સાથે સાથે હાઈકોર્ટે ટકોર કરી છે કે ‘પાસા’ ના કાયદાની જોગવાઇઓનો સામાન્ય ફોજદારી કાર્યવાહીની જોગવાઇઓની જેમ ઉપયોગ ના કરી શકાય.
અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એક આરોપી સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તેના આધારે તેને બૂટલેગર ગણી ‘પાસા’ હેઠળ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ‘પાસા’ના આદેશને આરોપીએ પડકાર્યો હતો પણ હાઇકોર્ટના સિંગલ જજે યોગ્ય ઠેરવ્યો હતો. આરોપી દ્વારા ગત અઠવાડિયે સિંગલ જજના આદેશને ડિવીઝન બેન્ચ સમક્ષ પડકારવામાં આવ્યો હતો.
આરોપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, તેની સામે માત્ર એક જ ફરિયાદ નોંધાઇ છે અને આ કેસમાં પણ ટ્રાયલ હજુ ચાલી રહી છે. આ સંજોગોમાં તેને બૂટલેગર તરીકે વ્યાખ્યાયિત કરીને જાહેર વ્યવસ્થા માટે ખતરારૂપ ગણી ‘પાસા’ હેઠળ જેલમાં ન મોકલી શકાય.
હાઇકોર્ટની ડિવીઝન બેંચે ‘પાસા’નો આદેશ રદ કરતા નોંધ્યું છે કે, ‘પાસા’ની જોગવાઇઓને સામાન્ય ફોજદારી પ્રક્રિયા તરીકે જોવામાં ન આવે અને સામાન્ય સંજોગોમાં કોઇ આરોપીની ધરપકડ કરવા કે તેની અટકાયત કરવા માટે તેનો ઉપયોગ ન થવો જોઇએ. ‘પાસા’ની કલમોનો કડકાઇથી અમલ થવો જોઇએ પણ આ કેસમાં એવી કોઇ પરિસ્થિતિ દેખાતી નથી. આરોપી સામે માત્ર એક ફરિયાદ નોંધાઇ છે અને એવી કોઇ પ્રવૃત્તિ પણ જણાતી નથી કે તેને બૂટલેગર ઠેરવી શકાય તેથી ‘પાસા’ હેઠળનો કેસ રદ કરવો. હાઈકોર્ટના આ ચુકાદાથી ‘પાસા’ના ઉપયોગ અંગે પોલીસ પર અંકુશ આવશે.