શોધખોળ કરો
Ahemdabad: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે 1.34 કરોડની રોકડ સાથે યુવક ઝડપાયો
આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી અંગે પોલીસ અને ચૂંટણી પંચ ખાસ વોચ રાખી રહ્યું છે.

અમદાવાદ: આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી અંગે પોલીસ અને ચૂંટણી પંચ ખાસ વોચ રાખી રહ્યું છે. ત્યારે રામોલ પોલીસે રિંગરોડ પરથી 1.34 કરોડ રૂપિયાની રોકડ રકમ સાથે એક યુવકને ઝડપી લીધો છે. યુવકને રોકડ રકમ અંગે પુછતા તેની સાથે રકમ બાબતે કોઇ આધાર પુરાવા ન હોય તેવા 1.34 કરોડની રોકડ રકમ કબ્જે કરીને કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ આપીને મત ખરીદવામાં ન આવે તે માટે ચૂંટણી પંચ સક્રિય છે. ચૂંટણી પંચ દ્વારા પોલીસને ખાસ સુચના આપવામાં આવે છે. ત્યારે રામોલ પોલીસે રિંગ રોડ પર દાલબાટી રેસ્ટોરન્ટ પાસેથી બાતમીના આધારે ભાવેશ વાળંદની 1.34 કરોડ રૂપિયા સાથે અટકાયત કરવામાં આવી છે. જો કે આટલી મોટી રકમ ક્યાંથી આવી અને ક્યાં જઇ રહી હતી તે અંગે હાલ તો તપાસ ચલાવવામાં આવી રહી છે. રામોલ પી.આઇ કે.એસ દવેએ જણાવ્યું કે, ભાવેશ નવરંગપુરા પી.પ્રવીણ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે અને આ રોકડ મુંબઇના મલાડ ખાતે આપવાની હોવાનું તેણે જણાવ્યું હતું. જો કે આ રૂપિયા કોના છે તે અંગે કોઇ પ્રકારનાં આધાર પુરાવા નહી હોવાનાં કારણે તેની અટકાયત કરીને રોકડ રકમ જપ્ત કરી લેવામાં આવી છે. આંગડિયા પેઢીનો સંપર્ક કરીને નાણા અંગે જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. હાલ તો આટલી મોટી રોકડ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વધુ વાંચો





















