Gujarat Rain: આજે રાજ્યમાં મેઘરાજા બોલાવશે બઘડાટી,4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: રાજ્યમાં ફરી મેઘરાજા મહેર કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સમય માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain: રાજ્યમાં ફરી મેઘરાજા મહેર કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સમય માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચાર જિલ્લામાં રેડ એલર્ટ, અન્યમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
નદી-નાળા અને ડેમની સ્થિતિ
ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે અને ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે.
સાબરકાંઠા: હિંમતનગરમાં હાથમતી અને ગુહાઈ જળાશયમાં પાણીની ભારે આવક થઈ છે. હાથમતી જળાશયમાંથી 4,077 ક્યુસેક અને ગુહાઈમાંથી 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
બનાસકાંઠા: દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 લોકોને SDRFની ટીમે સુરક્ષિત રીતે બચાવ્યા છે.
રાજકોટ: ઉપલેટા તાલુકા પાસે આવેલો વેણુ-૨ ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. 54 ફૂટની મહત્તમ સપાટી સામે ડેમના 4 દરવાજા 3 ફૂટ ખોલીને 8,758 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ડેમ ઓવરફ્લો થતા ઉપલેટા શહેર અને 12 ગામોને પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડેમની હેઠવાસના ગધેથડ, નાગવદર, વરજાંગ જાળીયા, મેખાટીંબી અને નિલાખા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા: કરજણ ડેમના 4 દરવાજા છેલ્લા 5 દિવસથી ખુલ્લા છે. ડેમની મહત્તમ સપાટી 115.25 મીટર છે અને હાલમાં 111.13 મીટર પર છે. ડેમમાં 42,000 ક્યુસેક પાણીની આવક સામે 34,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે. કરજણ નદી કિનારાના 7 ગામોને એલર્ટ કરી નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
જેતપુર: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ભરાવાની નજીક છે. 34 ફૂટની કુલ સપાટી સામે હાલ ડેમ 29.35 ફૂટ ભરાયો છે અને તેમાં 1,643 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ જેતપુર, ગોંડલ, વીરપુર અને કાગવડ સહિતના ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે.
અમદાવાદમાં વ્હાઈટ સિગ્નલ જાહેર
અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાબરમતી નદીની ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાસણા બેરેજમાંથી પણ પાણીની આવક અને જાવક વધી છે. હાલમાં વાસણા બેરેજના કુલ ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના નદી કિનારાના ગામોને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
સંત સરોવર માંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવતા આ નિર્ણય લેવાયો
આજે સવારે ૬:૩૦ કલાકે ધરોઈ ડેમમાંથી ૯૪,૪૩૨ ક્યુસેક પાણીનો જથ્થો અને સંત સરોવરમાંથી ૬૮,૫૮૫ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમનું પાણી વાસણા બેરેજ સુધી પહોંચતા આશરે ૧૧ થી ૧૨ કલાક અને સંત સરોવરનું પાણી ૧ કલાક જેટલો સમય લે છે.
હાલમાં વાસણા બેરેજમાંથી ૩૨,૪૧૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને બેરેજના ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. નદીમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી, સાબરમતી નદીના કાંઠાના ગામોને સતર્ક રહેવા અને સલામતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક તંત્ર પણ આ પરિસ્થિતિને લઈને હરકતમાં આવ્યું છે.





















