Gujarat Weather Today: ગુજરાતના આ 8 જિલ્લામાં પડશે ભીષણ ગરમી, હીટવેવને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Weather Today: એપ્રિલ મહિનો જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં ગરમી પોતાનો અસલી રંગ બતાવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

Gujarat Weather Today: એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી, પરંતુ હવે જેમ જેમ એપ્રિલ મહિનો પસાર થઈ રહ્યો છે, તેમ તેમ ગરમી પોતાનો અસલી રંગ બતાવી રહી છે. ગઈકાલથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તે જ સમયે, ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 40-43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 4, 2025
હીટવેવની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. પરંતુ આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની ધારણા છે. ત્યારબાદ રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 40-43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, 6 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવ રહેવાની શક્યતા છે. 5 અને 9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ લૂ લાગવાની શક્યતા છે. આ ઉપરાંત, 6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વધુ ગરમી રહેવાની સંભાવના છે. આ ઉપરાંત, આગામી 7 દિવસ રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
8 જિલ્લામાં ભારે ગરમી પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના ભુજમાં 43, નલિયા 40, અમરેલી 41, ભાવનગર 39, દ્વારકા 30, ઓખા 32, પોરબંદર 37, રાજકોટ 43, વેરાવળ 32, સુરેન્દ્રનગર 43, મહુવા 33, કેશોદ 11, અમદાવાદ 41,ડીલા 40, વલ્લભ વિદ્યાનગર 40, બરોડા 39, સુરત 34 અને દમણ 35 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં ભીષણ ગરમી અને હીટવેવએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી છ દિવસ માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, કોંકણ અને ગોવામાં 10 એપ્રિલ સુધી તીવ્ર હીટવેવ અને ગરમ પવનોની આગાહી કરી છે. આના કારણે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
આ ઉપરાંત, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર-પૂર્વ ભારતના તમામ 8 રાજ્યોમાં વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ૩૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોને ગરમીથી રાહત મળી શકે છે, પરંતુ આ વખતે દિલ્હી-એનસીઆરમાં ભારે ગરમી પડવાની શક્યતા છે.





















