'મારા પર એક ભાઈ જેટલો પ્રેમ હતો', વિજયભાઈના નિધનથી અત્યંત દુખી: નીતિનભાઈ પટેલ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પ્લેન દુર્ઘનટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું છે.

અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પ્લેન દુર્ઘનટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું છે. વિજયભાઈના ખાસ મિત્ર અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પેટેલ તેમને શ્રદ્ધાંજલિ આપી અને દુખ વ્યક્ત કર્યું છે. મીડિયા સાથે વાત કરતા નીતિનભાઈએ કહ્યું કે, વિજયભાઈના નિધનથી અત્યંત દુખી છે.
આખા ગુજરાતના લોકોમાં આઘાત
નીતિનભાઈ પટેલે કહ્યું, વિશ્વના અકસ્માતોમાં મોટો અકસ્માત કહી શકાય તેવી આ ઘટના બની છે. ગઈકાલના અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમારા સાથી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયુ છે. આખા દેશમાં આઘાતનું વાતાવરણ હતું. આ સમાચાર ફ્લેશ થયા, આખા ગુજરાતના લોકોમાં આઘાત છે.
આજે પણ અમારી કામગીરીથી લોકો યાદ કરે છે
નીતિનભાઈ પટેલે વધુમાં કહ્યું, વિજયભાઈએ ભાજપના કોર્પોરેટરથી રાજનીતિની શરૂઆત કરી હતી. પ્રદેશ સુધીની વિજયભાઈની રાજકીય સફર હતી. તેઓ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે મે પણ નાયબ મુખ્યમંત્રીની જવાબદારી નિભાવી . આજે પણ અમને અમારી કામગીરીથી લોકો યાદ કરે છે. કોરોના સમયે મે અને વિજયભાઈ રાતદિવસ કામગીરીઓ કરી હતી. કોરોના સમયે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર ગ્રુપની મીટીંગો થતી હતી.
વિજયભાઈ અને તેમના કામો જેટલા યાદ કરો તેટલા ઓછા
અધિકારી પાસેથી વિજયભાઈ રોજ રિવ્યુ લેતા હતા. અમે રાતોરાત અનેક હોસ્પિટલો શરૂ કરી હતી. સૌરાષ્ટ્રમાં પાણી પહોચાડવા માટે વિજયભાઈએ અનેક કામ કર્યા હતા. સૌની યોજનામાં નાણાં પણ મોટા પ્રમાણમાં ફાળવતા હતા. જીવદયાના પણ તેઓ ખૂબ ઉપાસક હતા. ચાઈનીઝ દોરી પર તેમણે પ્રતિબંધ મૂક્યો હતો. કોઈપણ દિવસ બિન જરુરી કામગીરીમાં તેઓ વિક્ષેપ ક્યારેય ન કરતા. આજે વિજયભાઈ અને તેમના કામો જેટલા યાદ કરો તેટલા ઓછા છે.
તેમને મારા પર એક ભાઈ જેટલો પ્રેમ હતો
નીતિનભાઈએ કહ્યું, તેમને મારા પર એક ભાઈ જેટલો પ્રેમ હતો, અમારા બન્નેની ઉંમરમાં દોઢ મહીનાનો ફેર છે. પક્ષે આપણને મુખ્યમંત્રી બનાવ્યા આજે પક્ષના આદેશથી હું રાજીનામુ આપું છું તેવું મને કહ્યું હતું. પંજાબના પ્રભારી તરીકે પેટા ચૂંટણીની કામગીરી આટોપી તેઓ નીકળ્યા હતા.
દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધીનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધી રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા બાદ નિર્ણય કરાશે. વિજયભાઈના નિધનથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે.





















