અમદાવાદમાં વધતી ગુનાખોરીથી પોલીસ કમિશનર લાલઘૂમ, PI સહિતના અધિકારીઓ માટે જાહેર કરી કડક ગાઈડલાઈન્સ
દરેક PIએ દરરોજ રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે, અરજદારોને સાંભળવા માટે પણ ફાળવવામાં આવ્યો સમય.

Ahmedabad Police news: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ગુનાખોરીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. તેમણે તાત્કાલિક અસરથી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને તેનાથી ઉચ્ચ અધિકારીઓ માટે નવી અને કડક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઈન્સનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો અને ગુનાખોરીને ડામવાનો છે.
પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ અનુસાર, હવેથી દરેક પોલીસ ઇન્સ્પેક્ટરે દરરોજ રાત્રે 12 વાગ્યા સુધી ફરજિયાતપણે પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. આ નિર્ણયનો હેતુ એ છે કે રાત્રિ દરમિયાન પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
આ ઉપરાંત, પીઆઈથી લઈને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) સુધીના તમામ અધિકારીઓએ દરરોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી અરજદારોની ફરિયાદો અને રજૂઆતો સાંભળવા માટે સમય ફાળવવો પડશે. આ સમય દરમિયાન અધિકારીઓએ ખાસ મુલાકાતીઓને પણ સાંભળવાના રહેશે અને તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવાનો રહેશે. પોલીસ કમિશનર દ્વારા આ માટે ખાસ સમય ફાળવવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટરોને પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી પણ વધુ સઘન બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. દરેક પીઆઈએ પોતાના વિસ્તારમાં નિયમિતપણે વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત, તેમણે પોતાના વિસ્તારના ગુનેગારોની માહિતી મેળવીને તેમનું પણ સતત ચેકિંગ કરવાનું રહેશે, જેથી ગુનાખોરીને નાથવામાં મદદ મળી શકે.
પોલીસ કમિશનરે પીઆઈને દરરોજ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે પણ પોતાના સ્ટેશનમાં હાજર રહેવા માટે સૂચના આપી છે. આ સમય દરમિયાન પીઆઈ પોતાના સ્ટેશન પર આવતા મુલાકાતીઓની રજૂઆતો સાંભળશે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે યોગ્ય પગલાં લેશે.
શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાંથી અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરીને અંકુશમાં લાવવામાં મદદ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે. પોલીસ વિભાગના અધિકારીઓ આ ગાઈડલાઈન્સનું કેટલું પાલન કરે છે અને તેના પરિણામો શું આવે છે તે જોવું રહ્યું. જો કે, પોલીસ કમિશનરના આકરા તેવરથી ગુનેગારોમાં ફફડાટ ફેલાય તેવી શક્યતા છે.





















