આ ખાસ લોકો માટે ગુજરાત સરકારે ભરતીની કરી જાહેરાત, કુલ 1251 જગ્યાઓ માટે અરજી કરી શકાશે
પંચાયત સેવા વર્ગ-3 ની વિવિધ જગ્યાઓ માટે 15 એપ્રિલથી ઓનલાઈન અરજી શરૂ, જાણો મહત્વની તારીખો અને વિગતો.

Gujarat Divyang recruitment 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની વિવિધ જગ્યાઓ માટે છે અને તેમાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ અરજી કરી શકશે. રાજ્યભરમાં અલગ-અલગ પોસ્ટ માટે કુલ 1251 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ આગામી 15 એપ્રિલ, 2025 થી શરૂ થશે અને 15 મે, 2025 સુધી ચાલશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે દિવ્યાંગ ઉમેદવારો માટે સીધી ભરતીની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. આ ડ્રાઇવ અંતર્ગત વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે:
- લેબોરેટરી ટેક્નિશિયન: 43 જગ્યાઓ
- સ્ટાફ નર્સ: 36 જગ્યાઓ
- વિસ્તરણ અધિકારી (ખેતી): 12 જગ્યાઓ
- પશુધન નિરીક્ષક: 23 જગ્યાઓ
- આંકડા મદદનીશ: 18 જગ્યાઓ
- જુનીયર ફાર્માસિસ્ટ: 43 જગ્યાઓ
- વિસ્તરણ અધિકારી (સહકાર, ગ્રેડ-2): 08 જગ્યાઓ
- સંશોધન મદદનીશ: 05 જગ્યાઓ
- મુખ્ય સેવિકા: 20 જગ્યાઓ
- ગ્રામ સેવક: 125 જગ્યાઓ
- ગ્રામ પંચાયત મંત્રી: 238 જગ્યાઓ
આ ઉપરાંત અન્ય વિવિધ પોસ્ટ પર પણ ભરતી કરવામાં આવશે, આમ કુલ મળીને 1251 જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોની સીધી ભરતી થશે.
પાત્રતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર 15 એપ્રિલ, 2025 થી 15 મે, 2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી માહિતી માટે મંડળની વેબસાઇટ gpssb.gujarat.gov.in અને ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in ની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આ ખાસ ભરતી ઝુંબેશ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે શરૂ કરવામાં આવી છે, જેથી તેઓને પણ સરકારી સેવામાં જોડાવાની તક મળી રહે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.
(૧) ઉપરોકત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સુચનાને આધિન મંડળ જરૂર જણાયે વધ-ઘટ કે ફેરફાર કરી શકશે. (૨) ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઇપણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપુર્ણ હક્ક/અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી. (૩) ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહી જોતા, વહેલી તકે ઓનલાઇન અરજી પત્રકમાં નિયત વિગતો પુરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઇન અરજી કન્ફર્મ કરી, કન્ફર્મેશન નંબર (Confirmation Number) મેળવી લેવા જણાવવામાં આવે છે.

