‘આંગળી નીચે રાખી ને વાત કરો, તારું મોઢું જોવાનો કોઈ શોખ નથી...’ - ચૈતર વસાવા અને કેવડિયાના DYSP વચ્ચે ઉગ્ર બોલાચાલી
દેવમોગરા જતા શ્રદ્ધાળુઓની હેરાનગતિ મુદ્દે SP ઓફિસે જતા ધારાસભ્યને રોકતા ચકમક ઝરી, બુટલેગરો સાથે સાંઠગાંઠનો આરોપ.

Chaitar Vasava news: ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કેવડિયાના DYSP સંજય શર્મા વચ્ચે ગુરુવારે સવારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ધારાસભ્ય ચૈતર વસાવા દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અંગે રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે મોટી સંખ્યામાં સમર્થકો સાથે પોલીસ અધિક્ષક કચેરી, નર્મદા ખાતે પહોંચ્યા હતા.
જો કે, એસપી ઓફિસ પહોંચતા પહેલા જ પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તામાં રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સ્થિતિ તંગ બની હતી.
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ એસપી ઓફિસ જવા નીકળ્યા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન કેવડિયાના ડીવાયએસપી સંજય શર્મા સાથે તેમની બોલાચાલી થઈ હતી. વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે ડીવાયએસપીને ધારાસભ્ય તરીકે સીધી રીતે વાત કરવાનું કહ્યું તો તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.
બોલાચાલી દરમિયાન ચૈતર વસાવાએ સંજય શર્માને આંગળી નીચે રાખીને વાત કરવાનું કહ્યું હતું અને પોતાની ધારાસભ્ય તરીકેની ઓળખ આપી હતી. જેના જવાબમાં સંજય શર્માએ પણ તેમને આંગળી નીચે રાખીને વાત કરવા માટે કહ્યું હતું. વાત એટલી વધી ગઈ હતી કે ધારાસભ્યએ ડીવાયએસપીને કહ્યું કે તેમને સવાર સવારમાં તેમનું મોઢું જોવાનો કોઈ શોખ નથી, તો ડીવાયએસપીએ પણ સામેથી કહ્યું કે તેમને પણ તેમનું મોઢું જોવાનો કોઈ શોખ નથી.
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે DYSP સંજય શર્માએ યોગ્ય વર્તન ન કર્યું અને તેમણે તેમનો હાથ પટકતા કહ્યું કે હાથ નીચે રાખીને અને ધીમા અવાજે સભ્યતાથી વાત કરો. જેના જવાબમાં સંજય શર્માએ પણ તેમને સભ્યતાથી વાત કરવાનું જણાવ્યું હતું.
આ ઘટના બાદ ચૈતર વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પોલીસ બુટલેગરોને પકડતી નથી અને નાના માણસો પાસેથી દંડ વસૂલે છે. તેમણે નર્મદા પોલીસ પર હપ્તા લઈને બુટલેગરોને છોડી દેવાનો અને દારૂના ભાવ નક્કી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. વસાવાએ પોલીસમાં પણ બે પ્રકારના લોકો હોવાનું જણાવ્યું હતું - એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે અને બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે.

