Gujarat Rain: વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા લોકોના મોત, 9 હજાર જેટલા લોકોનું સ્થળાંતર
Gujarat Rain Update: રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદની સ્થિતિના પગલે સતત બીજા દિવસે ઉચ્ચસ્તરિય બેઠક થશે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે હજારો નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Gujarat Rain Update: રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદની સ્થિતિના પગલે સતત બીજા દિવસે ઉચ્ચસ્તરિય બેઠક થશે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે હજારો નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. છોટા ઉદેપુર, વલસાડ અને નવસારીમાં ૮,૯૩૬ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અનેક રસ્તાઓ પર હાલમાં બંધ કરવામાં આવ્યા છે. જેમં રાજ્યમાં ૩૩ સ્ટેટ , ૧ નેશનલ હાઈવે,૩૫૬ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદની સીઝનમાં અત્યાર સુધી કુલ 61 લોકોના મૃત્યુ થયા છે આ ઉપરાંત 272 પશુઓના પણ વરસાદના કારણે મૃત્યુ થયા છે.
સુરત ગ્રામ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર
સુરત ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓલપાડ તાલુકા મથક ખાતે એનડીઆરએફની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે ત્યારે ઓલપાડ તાલુકા ન્યાયાલયના પરિસરમાં પાણી ભરાઈ ગયા છે. પાણી નિકાલના અભાવે અને સેના ખાડી ફૂલ હોવાના કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને પાણી ભરાય ચુક્યા છે. પાણી ભરવાના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વલસાડમાં ઓરંગાનું રૌદ્ર સ્વરૂપ
વલસાડમાં ઓરંગાની આફત ધીરે ધીરે વધી રહી છે. ઔરંગા તેનું રોદ્ર સ્વરૂપ ચારે કોર વધારી રહી છે, જેને લઈને ઓરંગાથી વલસાડ શહેર તરફ અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને ઘણા નાના નાના વિસ્તાર સંપર્ક વિહોણા થયા છે. ઔરંગા નદી દ્વારા જે તારાજી સર્જાય છે તેમાં ઘર, દુકાનો, ખેતર, કેરીની વાડીઓ અને નાનો મોટો વ્યાપાર કરતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અબડાસાના બીટા- બાલાપર વચ્ચે માર્ગ ધોવાયો
નખત્રાણા-નલિયા રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો છે. ભારે વરસાદના કારણે અબડાસાના બીટા- બાલાપર વચ્ચે માર્ગ ધોવાયો છે. બીટા ડેમ ઓગની જતા ડેમના પાણી રસ્તા પર ફરી વરતા રાજ્ય ધોરીમાર્ગ તૂટ્યો છે. જો કે, દર ચોમાસે આ જગ્યા માર્ગ તૂટી જતો હોવાની ફરિયાદ સ્થાનિક લોકો કરી રહ્યા છે. લોકોએ આ માર્ગ પર પુલ બનાવા માટે અનેક રજુઆત કરી હોવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી.
ઢાઢર નદીમાં ઘોડાપૂર
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે અનેક ગામોમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. ઢાઢર નદી ગાંડીતુર બનતા અનેક ગામોને બાનમાં લીધા છે. દંગીવાડા, પ્રયાગપુરા ,કરાલી પુરા, નારણપુરા, વિરપુરા, બંબોજ,ગોવિંદપુરામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા છે.
આ ઉપરાંત ડભોઇના ૭ ગામોનો સંપર્ક તુંટ્યો છે. દંગીવાળા જવાના મુખ્ય માર્ગ ઉપર છાતી સમા પાણી ભરાયા છે.