અમદાવાદના SG હાઈવે પર અકસ્માતની બે ઘટના, પૂરઝડપે જતી કારે બાઇકને મારી ટક્કર
અમદાવાદ શહેરમાં રફતારનો કહેર જોવા મળ્યો હતો. કારે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો

અમદાવાદ શહેરમાં રફતારનો કહેર જોવા મળ્યો હતો. ફૂલ સ્પીડમાં જતી કારે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. રાહુલ ભાટિયા નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ કેટલાક લોકો મદદે દોડી આવ્યા હતા. દરમિયાન અચાનક એક્ટિવા ચાલક ત્યાં ઘસી આવ્યો અને બે લોકોને અડફેટે લીધા હતી. ગણતરીની મિનિટમાં બનેલી અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
એસજી હાઇવે પર થયેલા અકસ્માતમાં પૂરઝડપે જઇ રહેલી કારે બાઇકને ટક્કર મારી હતી. રાહુલ ભાટિયા નામનો બાઇકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જાતા અન્ય લોકો મદદ માટે પહોંચ્યા હતા. દરમિયાન ઈજાગ્રસ્તની મદદ માટે ઉભેલા લોકોને પાછળથી આવતા એક્ટિવા ચાલકે ટક્કર મારતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ટ્રાફિક પોલીસે પ્રત્યક્ષદર્શીનુ નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.
નોંધનીય છે કે તાજેતરમાં જ અમદાવાદના નારણપુરામાં હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેને 30 કલાકથી વધુનો સમય વિત્યો હોવા છતાં પોલીસ હજુ સુધી કારચાલકને ઝડપી શકી નથી. મંગળવારની રાત્રે 11 વાગ્યે આર્યન બારડ અને બ્રિજેશ ડોડિયા અમીકુંજ સોસાયટી પાસેના ચાર રસ્તા પર જઈ રહ્યા હતા. આ સમયે ક્રેટા કારે બંનેને ટક્કર મારી હતી. અકસ્માતમાં આર્યન બારડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું. જ્યારે બ્રિજેશ ડોડિયાને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને 30 કલાકથી વધુનો સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ કારચાલકની ધરપકડ નથી કરાઈ નથી. એટલુ જ નહીં પોલીસ હજુ સુધી એ પણ નથી જાણી શકી કે કારચાલક યુવક હતો કે યુવતી. abp અસ્મિતાને મળેલી માહિતી અનુસાર,કાર સમર્થ અગ્રવાલ ચલાવતો હતો તેવી પ્રાથમિક માહિતી મળી છે. પરંતુ આ મામલે પોલીસ કઈ પણ કહેવા તૈયાર નથી. abp અસ્મિતાની ટીમ સમર્થ અગ્રવાલના ઘરે પહોંચી તો પરિવારજનોએ પણ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.




















