ઉત્તરાખંડમાં અનેક ગુજરાતીઓ ફસાયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે કરી વાત
ઉત્તરાખંડમાં વરસાદી તોફાનથી યાત્રીઓને તકલીફ ન પડે તેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત કરી હતી.
અમદાવાદઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સતર્ક છે.
ઉત્તરાખંડમાં વરસાદી તોફાનથી યાત્રીઓને તકલીફ ન પડે તેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષાને લઈ પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના મુખ્ય સચિવે પણ ઉત્તરખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. ગુજરાતીઓને મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી.
ઉત્તરાખંડ સરકારે પણ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ કરવા ખાતરી આપી છે. છૂટાછવાયા ગ્રૂપમાં ગુજરાતીઓ ઉત્તરાખંડમાં અટાવાયા હોવાનું મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. ઉત્તરાખંડ સરકાર જે માહિતી આપશે તે મુજબ રાજ્ય સરકાર કાર્યવાહી કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નોંદનીય છે કે, ઉત્તરાખંડમાં રાજકોટના 16 સભ્યો, અમદાવાદના થલતેજના 6 યાત્રીઓ, અમદાવાદના નવા વાડજ અને મણીગનરના રહેવાસીઓ પણ કેદારનાથમાં ફાસયા છે. આ ઉપરાંત ધોળકાના કેટલાક લોકો ઉત્તરાખંડમાં ફસાયા છે. મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે.
ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈના જણાવ્યા અનુસાર તેઓ હાલ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છે. તો અમદાવાદના નવા વાડજમાં રહેતા એક દંપતિ પણ ભારે વરસાદથી બે દિવસથી કેદારનાથમાં ફસાયું છે. અરવિંદ આહિરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે કેદારનાથમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા છે. ફસાયેલા બેથી ત્રણ હજાર લોકોમાં ગુજરાતીઓ પણ છે. જેમણે સોશલ મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને મદદની ગુહાર લગાવી છે.