Gujarat Rain: ભાલ પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ,આ ગામમાં નદીનું પાણી ફરી વળતા એક વ્યક્તિનું મોત
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ ચૂકી છે. ચોમાસાની શરુઆતમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ ચૂકી છે. ચોમાસાની શરુઆતમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત જાનમાલને પણ નુકસાન થયું છે. ખાસ કરીને ભાવનગર પંથકમાં મેઘરાજાનું રૌધ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે,
ભાવનગરના ભાલ પંથકના માઢીયા ગામમાં નદીના પાણી ફરી વળતા એક વ્યક્તિનું મોત થયું છે. મોડી રાત્રિના આસપાસ માઢીયા ગામમાં કાળુભાર અને ઘેલો નદીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે પોતાના ઘર નજીક જ પાણીમાં ગરકાવ થઈ જતા ખીમજીભાઇ સોલંકી નામના વ્યક્તિનું મોત થયું છે.
માઢીયા ગામમાં નદીના પાણી આવી જતા ગામની અંદર તારાજી સર્જાઈ છે. દરેક ઘરોની અંદર ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. મૃતક ખીમજીભાઈ સોલંકીના મૃતદેહને હાલ પી.એમ માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે
છેલ્લા બે દિવસથી ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, સતત પાણીની આવક વધતા નીચાણવાળા 17 જેટલા વિસ્તારોને એલર્ટ અપાયુ છે. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15340 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
વરસાદના કારણે 18 લોકોના મોત
રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. વરસાદને લઈ અલગ અલગ દુર્ઘટનામાં 18ના મોત થયા છે. 36 કલાકમાં પ્રશાસને 109 લોકોને બચાવ્યા હતા. તે સિવાય 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 12953 ગામોમાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. 1 નેશનલ હાઈવે સહિત કુલ 134 માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. સુરેંદ્રનગરના વઢવાણમાં 46 લોકોનું સ્થળાંતર કરાયું હતું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બોટાદમાં ખેતરમાં ફસાયેલા 18 ખેત મજૂરોને પણ બચાવાયા હતા. ખેતમજૂરો ગઢડાના પીપળીયા ગામે વાડી વિસ્તારમાં ફસાયા હતા. NDRFની ટીમે 18 લોકોને બચાવ્યા હતા.
રાજ્યમાં સીઝનનો સરેરાશ 7.90 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યુ છે, શરૂઆતી વરસાદે જ સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી દીધી છે. પ્રથમ રાઉન્ડમાં જ રાજ્યમાં સીઝનનો સરેરાશ 7.90 ટકા વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 14.83 ટકા વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 3.80 ટકા નોંધાયો છે. ખાસ વાત છે કે, ભારે વરસાદના કારણે રાજ્યના સાત મોટા ડેમો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યમાં મોટાભાગના ડેમોમાં વરસાદી પાણીની સતત આવકો થઇ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યુ છે.





















