Bhavnagar Rain: મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં બે ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
રાજ્યમાં કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.

ભાવનગર: રાજ્યમાં કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદ વરસતા મહુવા પ્રશાસનની પોલ ખુલી ગઈ છે. માત્ર બે ઈંચ વરસાદના કારણે શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
હોસ્પિટલ રોડ, કુંભાવાડા, પરશીવલ પરા, નવા ઝાંપા તેમજ ગાંધીબાગ પાછળના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે પ્રિ-મોન્સૂન કામગરી પર સવાલ ઉભા થયા છે.
હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ માહોલ જામ્યો છે. વહેલી સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં મહુવા તેમજ તળાજા પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો છે. મહુવા પંથકમાં 2 ઈંચ અને તળાજા પંથકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
મધ્ય ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી
દક્ષિણ ગુજરાત અને હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ ગઇ છે. વડોદરા બાદ દાહોદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે દાહોદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. જાલત, ગલાલીયાવાડ, છાપરી, રામપુરામાં વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વીજળી ગૂલ થવાની પણ ઘટના સામે આવી છે.
34 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ,ભરૂચમાં બે ઈંચ વરસાદ,સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.
કામરેજમાં એક ઈંચ, ધોલેરામાં એક ઈંચ, ઝઘડિયામાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, વાગરામાં પોણો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. શિનોરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો તો તાલાલામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. 30, 31 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ હતી.
હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, જેને સોમવારે સવારે રેડ એલર્ટમાં બદલી દેવામાં આવ્યું હતું. આ જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.




















