Bhavnagar Rain: ભારે વરસાદથી સિહોરમાં જળબંબાકાર, બુઢણા ગામે કોઝવે તણાયો, જુઓ VIDEO
ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. સિહોર અને પાલિતાણામાં ધોધમાર વરસાદ વરસ્યોછે.

ભાવનગર: ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. સિહોર અને પાલિતાણામાં ધોધમાર વરસાદ વરસ્યોછે. ભાવનગર સિહોર તાલુકાના બુઢણા ગામે ભારે વરસાદને પગલે કોઝવે તણાયો હતો. આ કોઝવ તણાતો હોય તેવો લાઈવ વીડિયો પણ વાયરલ થયો છે.
ભાવનગર સિહોર તાલુકાના બુઢણા ગામે કોઝવે તણાયો#Gujaratrain pic.twitter.com/Cpe8BSciqg
— ABP Asmita (@abpasmitatv) June 16, 2025
કોઝવે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો
બુઢણા ગામથી પાલીતાણા તાલુકા પંથકને જોડતો સ્ટેટ આરએનબી વિભાગ હસ્તકનો આ કોઝવે છે. જે આજે સવારે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો હતો. પાણીના ભારે પ્રવાહના કારણે લોખંડની ગ્રીલ પણ પાણીમા તણાઈ હતી. વરસાદના પાણીના કારણે આ કોઝવેના બે ભાગ થઈ ચૂક્યા છે. જેના કારણે આસપાસના પાંચ જેટલા ગામોનો મુખ્ય હાઈવે માર્ગ બંધ થયો છે. સ્થાનિક પ્રશાસન કોઝવેની મરામત કરાવવા માટે કામે લાગ્યા છે. હાલ પણ કોઝવે ઉપરથી ભારે પ્રવાહ સાથે પાણી વહી રહ્યું છે.
ભાવનગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મહુવા, તળાજા, વલ્લભીપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલીતાણા, જેસર અને સિહોર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ભાવનગર જિલ્લાની નદીઓ બે કાંઠે થઈ છે.
પાલીતાણામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ
ખાસ વાત છે કે પાલીતાણામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પર અસર પહોંચી છે. ભારે વરસાદથી નવાગઢ, નાની શાકમાર્કેટ, મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. જિલ્લામાં અન્ય ગામોમાં જેવા કે, નવાગામ, લોલીયા, ખેતા ટીંબી, કાળા તળાવ ગામ, દરેડ, વાવડી, પીપળી, કોટિયા, કળમોદર, વાવડી, બગદાણામાં વરસાદ વરસ્યો છે. ભાવનગરની મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે.
સિહોર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
ભાવનગરના સિહોર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સિહોરના વરલ, ટાણા, ગુંદાળા, સર, સાગવાડી જાંબાળા, કાજાવદર, સોનગઢ, પાલડી, પીપળીયા, સુરકા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સારા એવા વરસાદથી સિહોરના વરલ ગામમાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વહેલી સવારથી સિહોર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.
16 જૂનની આગાહી -
સોમવારે, 16 જૂનના રોજ પણ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.




















