BHAVNAGAR : ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે રથયાત્રાના કાર્યાલયનો શુભારંભ
Bhavnagar News : સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે ધ્વજારોહણ અને પૂજા વિધી કરવામાં આવી.
Bhavnagar : આ વર્ષે કોરોનાકાળના બે વરહ બાદ ભાવનગરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રા નીકળશે. આજે 22 મે ના રોજ શશ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા રથયાત્રાના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે ધ્વજારોહણ અને પૂજા વિધી કરવામાં આવી. રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ સિંહ રાણા સહિત સંતો-મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના બીજા વર્ષ બાદ ભાવનગરમાં પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. આ વર્ષે જગન્નાથજીની ઉત્સાહભેર 37મી રથયાત્રા શહેરનાં અલગ-અલગ માર્ગો પર ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે અને બે વર્ષ બાદ ભાવેણાના નગરજનોને દર્શન આપશે.
ભાવનગરમાં ભર ઉનાળે ત્રણ દિવસનો વીજકાપ
ભાવનગર શહેરમાં ફરી એક વખત વીજકાપ ઝીકવામાં આવ્યો છે. આવતી કાલ 23 તારીખથી અડધા ભાવનગરમાં ત્રણ દિવસ સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તારીખ 23,24 અને 25 એમ ત્રણ દિવસ મોટાભાગના ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. નવાબંદર, એરપોર્ટ, રુવા, ખેડૂત વાસ, પ્રભુદાસ તળાવ, આનંદ નગર, જૂની એલ.આઈ.જી, દીપક ચોક સાહિતના અલગ-અલગ વિસ્તારોમાં 7 કલાક જેટલો વીજકાપ રહેશે. ભર ઉનાળે ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારમાં ત્રણ દિવસ માટે વીજકાપ રહેતા શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. મેન્ટેનન્સની કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.
બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં યુવાનની હત્યા
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરતાનપર બંદર રોડ ઉપર એકજ કુટુંબના બે પરિવારો વચ્ચે મારામારી થતા એક યુવાનની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે.બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં 27 વર્ષના યુવાનની હત્યા થઇ છે. આ મૃતક યુવાકનું નામ રુસ્તમ કુરેશી હોવાનું જાણવા મળેલ છે. મારામારીની આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અનુસંધાને પોલીસનો મસમોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.