Unseasonal Rain : ભાવનગરમાં અણધારી કુદરતી આફતે ત્રણ યુવાનોના જીવ લીધા, રામતલિયા નદીમાં આવ્યું પૂર
Unseasonal Rain : ભાવનગરમાં અણધારી કુદરતી આફતે ત્રણ યુવાનોના જીવ લીધા છે. સાથે જ ભારે વરસાદ અને પવન ફૂંકાતા અનેક ઘરોમાં છત તૂટી તો બીજી બાજુ બજારોમાં વાહનો તણાતા હોય તેવા પણ દ્રશ્યો નજરે પડ્યા હતા.
Unseasonal Rain : ભાવનગરમાં અણધારી કુદરતી આફતે ત્રણ યુવાનોના જીવ લીધા છે. સાથે જ ભારે વરસાદ અને પવન ફૂંકાતા અનેક ઘરોમાં છત તૂટી તો બીજી બાજુ બજારોમાં વાહનો તણાતા હોય તેવા પણ દ્રશ્યો નજરે પડ્યા હતા. એટલું જ નહીં સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિરમાં પણ વરસાદનાં પાણી ભરાય ગયા હતા. જ્યારે બીજી તરફ શહેરમાં વરસાદ પડવાથી ઠેર-ઠેર મુખ્ય રોડપર પાણી ભરાતા મ.ન.પા ની કામગીરીની પોલ ઉજાગર કરી દીધી છે. તો બીજી તરફ ભાવનગર પંથકમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મહુવાના મોરંગી ગામની રામતલિયા નદીમાં પુર આવ્યું છે. ભર ઉનાળે આ વિસ્તારમાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ભાવનગર શહેરમાં દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા તેમજ વિવિધ વિભાગો દ્વારા પ્રિમોન્સૂન ની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ એ કામગીરી માત્ર કહેવા પૂરતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદની અગાઉ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેને લઈ ગઈકાલથી જ ભાવનગરનું વાતાવરણ બદલાયું હતું અને શહેર અને જિલ્લામાં મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના બોર તળાવ, કાળીયાબીડ, સંસ્કાર મંડળ, નીલમબાગ, કુંભારવાડા સહિતના વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. દર વર્ષે મહાનગરપાલિકા લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન ની કામગીરી કરે છે પરંતુ તે કામગીરીને કમોસમી વરસાદે ઉજાગર કરી દીધી છે. ઠેર-ઠેર વિસ્તાર અને રોડમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને શહેરીજનોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.
બીજી તરફ શહેરના બોડલા વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાસાઈ થયા હતા જ્યારે અનેક ઘરમાં કુદરતી આફતે મકાનની છત તો ક્યાંક નળીયા ઉડાડી દીધા હતા જ્યારે સિહોર તાલુકામાં તો ચોમાસા જેવા દ્રશ્યો નજરે પડ્યા હતા કમોસમી વરસાદના કારણે ભર બજારમાં નદી વહેતી થઈ હતી જેમાં રીક્ષા અને ટુ-વ્હીલર બાઈક પણ તણાયું હતું. આ કુદરતી તારાજીના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં ઠેર જગ્યાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. જોકે આ બાબતે ભાવનગરનાં મેયર કિર્તીબેન દાણીધર્યાને abp asmita દ્વારા સવાલ પૂછતા તેમને જૂની કેસેટ રિપીટ કરી હતી અને ફરી એક વખત જણાવ્યું હતું કે ચોમાસા પહેલા એક પણ રોડ પર પાણી ભરાય તેવા દ્રશ્યો જોવા નહીં મળે એટલે કે પ્રમોનસુનની કામગીરી શરૂ છે તેવા દાવા કર્યા હતા.
આ કુદરતી આફતે ભાવનગરમાં કુલ ત્રણ યુવાનોના જીવ લીધા છે જેમાં ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો બોર તળાવ વિસ્તારમાં આવેલ ખોડીયાર મંદિર પાસે જતીન મકવાણા નામના યુવાન પર વીજળી પડતા મોત થયું હતું જ્યારે તળાજા તાલુકાના સાંકડાસર ગામે કિશન મકવાણા નામના યુવાનનું ઘર પાસે જ મોત થયું હતું. આ સાથે જ આ ગામથી નજીકનું ગામ ચૂડી ગામમાં પણ એક યુવાનનું મોત થયું. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં વીજળી પડવાના બનાવમાં કુલ ત્રણ યુવાનોના મોત થયા છે.