8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે જલસા! પગાર અને પેન્શનમાં થશે બમ્પર વધારો, જાણો ૮મા પગાર પંચની ૧૦ મોટી વાતો
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે નવા નિયમો: ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારાનું ગણિત સમજો; 50 લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો.

8th Pay Commission: લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે સત્તાવાર રીતે 8મા પગાર પંચ (8th Pay Commission) ની રચના માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને કેબિનેટ દ્વારા તેના 'ટર્મ્સ ઓફ રેફરન્સ'ને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણયની સીધી અસર દેશના અંદાજિત 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર પડશે. જો તમે પણ સરકારી કર્મચારી છો, તો તમારા પગાર, ભથ્થાં અને પેન્શનમાં શું ફેરફાર થશે તે અંગેના આ 10 મહત્વપૂર્ણ મુદ્દાઓ તમારે ચોક્કસપણે જાણી લેવા જોઈએ.
1. કોને થશે સીધો ફાયદો?
8મા પગાર પંચના અમલીકરણથી દેશભરમાં કાર્યરત કેન્દ્ર સરકારના અંદાજિત 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ (6.5 મિલિયન) પેન્શનરોને સીધો આર્થિક લાભ થશે. વધતી મોંઘવારી વચ્ચે આ જાહેરાત લાખો પરિવારો માટે આશાનું કિરણ બનીને આવી છે.
2. ક્યારથી લાગુ થશે નવું પંચ?
સરકારે આયોગને તેનો રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. જો પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય, તો એવી પ્રબળ શક્યતા છે કે 8મા પગાર પંચની ભલામણો 1 January, 2026 થી અમલમાં આવશે. જો જાહેરાતમાં વિલંબ થાય તો પણ કર્મચારીઓને પાછલી અસરથી એરિયર્સ ચૂકવવામાં આવશે.
3. કોના હાથમાં છે કમાન?
આ મહત્વપૂર્ણ પંચનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે. તેમની ટીમાં પાર્ટ-ટાઈમ મેમ્બર તરીકે પ્રોફેસર પુલક ઘોષ અને મેમ્બર સેક્રેટરી તરીકે પંકજ જૈનનો સમાવેશ થાય છે. આ ટીમ આગામી દોઢ વર્ષમાં પગાર માળખાની સમીક્ષા કરશે.
4. પગારમાં કેટલો વધારો થઈ શકે?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખિસ્સામાં કેટલા પૈસા આવશે? જોકે સરકાર દ્વારા કોઈ સત્તાવાર આંકડા જાહેર કરાયા નથી, પરંતુ નિષ્ણાતો અને ભૂતકાળના ટ્રેન્ડ મુજબ, પગાર અને પેન્શનમાં અંદાજે 30 થી 34 ટકાનો જંગી વધારો થવાની શક્યતા છે.
5. ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત
પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું, જ્યારે 8મા પંચમાં તે વધીને 2.86 અથવા તેનાથી વધુ રહેવાની ધારણા છે. ઉદાહરણ તરીકે, જો કોઈનો બેઝિક પગાર ₹25,000 હોય, તો નવા ફેક્ટર મુજબ તે વધીને ₹71,500 ની આસપાસ પહોંચી શકે છે.
6. પેન્શનરોને પણ થશે ફાયદો
આ પંચ માત્ર પગારદાર વર્ગ માટે જ નથી. બેઝિક સેલેરી વધવાની સાથે સાથે પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં પણ આપોઆપ વધારો થશે. આનાથી નિવૃત્ત કર્મચારીઓને મોંઘવારી સામે લડવામાં મોટી રાહત મળશે.
7. એરિયર્સ ચૂકવણી (Arrears)
નિયમ મુજબ, નવા પગાર અને પેન્શનના દરો 1 January, 2026 થી લાગુ ગણાશે. એટલે કે, જો સરકાર રિપોર્ટ લાગુ કરવામાં મોડું કરે, તો પણ તે તારીખ અને અમલીકરણની તારીખ વચ્ચેના સમયગાળાનું પૂરેપૂરું એરિયર્સ (બાકી રકમ) કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે.
8. કર્મચારી સંગઠનોની અન્ય માંગણીઓ
પગાર ઉપરાંત, કર્મચારી યુનિયનોએ સરકાર સમક્ષ કેટલીક અન્ય માંગણીઓ પણ મૂકી છે:
પેન્શન કમ્યુટેશનનો સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવો.
મેડિકલ ભથ્થું વર્તમાન ₹3,000 થી વધારીને ₹20,000 કરવું.
CGHS (સ્વાસ્થ્ય સુવિધા) ને વધુ સરળ અને સુલભ બનાવવી.
9. પેન્શનરોને બાકાત રાખવા અંગે વિવાદ
બીજી તરફ, 'ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન' દ્વારા એક ચિંતાજનક દાવો કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે 8મા પગાર પંચની શરતોમાંથી 69 લાખ પેન્શનરોની સમીક્ષાનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે, જે અન્યાયી છે. જોકે, સરકાર તરફથી આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી.
10. મોંઘવારી સામે સુરક્ષા કવચ
સરકારનો ઉદ્દેશ્ય દર 10 વર્ષે પગાર પંચ દ્વારા કર્મચારીઓની ખરીદશક્તિ જાળવી રાખવાનો છે. આ નવા પંચથી માત્ર પગાર જ નહીં, પરંતુ HRA (મકાન ભાડું) અને ટ્રાવેલ એલાઉન્સ જેવા ભથ્થામાં પણ વધારો થશે.





















