8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ૮મા પગાર પંચ પર મોટું અપડેટ: આગામી ૨-૩ સપ્તાહમાં કમિટી....
8th Pay Commission latest news: પગાર પંચનો રિપોર્ટ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં આવવાની શક્યતા, ભથ્થા અને પેન્શનમાં થશે સુધારો, ૧ જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ થશે.

8th Pay Commission salary hike: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ૮મા પગાર પંચ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. નવા પગાર પંચની રચના અંગે સરકારે પ્રક્રિયા તેજ કરી છે, જેનાથી કર્મચારીઓની આશા વધી છે.
ગત જાન્યુઆરીમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે ૮મું પગાર પંચ રચવાની જાહેરાત કરી હતી. જોકે, ત્યારથી નવા પગાર પંચની કમિટી કોણ હશે અને તેના કાર્યક્ષેત્ર (Terms of Reference - TOR) શું હશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આથી કેન્દ્રીય કર્મચારીઓ આ સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ૮મા પગાર પંચના સંદર્ભની શરતો (TOR)ને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સત્તાવાર સૂત્રો અનુસાર, TOR ને આગામી બે થી ત્રણ અઠવાડિયામાં સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવશે. આ સાથે જ, નવા પગાર પંચ માટે રચવામાં આવનાર કમિટીના ચેરમેન અને સભ્યોના નામ પણ આ જ સમયગાળામાં એક સાથે જાહેર કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાશે.
એકવાર કમિટીની રચના થઈ જાય અને TOR નક્કી થઈ જાય, પછી કમિશનને તેનો રિપોર્ટ તૈયાર કરવા માટે સામાન્ય રીતે ઓછામાં ઓછો એક વર્ષનો સમય આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, ૮મા પગાર પંચનો અહેવાલ વર્ષ ૨૦૨૬ ના પ્રથમ છ મહિનામાં સરકારને સુપરત કરી શકાય છે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, ૮મા પગાર પંચની ભલામણો મુજબ પગાર અને પેન્શનમાં થનાર સુધારાઓ પૂર્વદર્શી રીતે (retrospectively) ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે રિપોર્ટ ભલે ૨૦૨૬ના મધ્યમાં આવે, પરંતુ કર્મચારીઓને ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી સુધારેલા દરે પગાર/પેન્શન મળશે અને તેમને બાકી રકમ (અરિયર્સ) પણ ચૂકવવામાં આવશે.
પગાર પંચની સ્થાપના સામાન્ય રીતે દર દાયકામાં એકવાર થાય છે. છેલ્લું, ૭મું કેન્દ્રીય પગાર પંચ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ રચવામાં આવ્યું હતું. તેનું નેતૃત્વ ન્યાયમૂર્તિ અશોક કુમાર માથુર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને તેનો અહેવાલ સબમિટ કરવા માટે ૧૮ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
૭મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૧૬ ના રોજ લાગુ કરવામાં આવી હતી. ૭મા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર (પગાર અને ભથ્થાં) અને પેન્શનમાં ૨૩.૫૫% નો વધારો કર્યો હતો. હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓને મૂળ પગારના ૫૫ ટકા મોંઘવારી ભથ્થા (DA) તરીકે મળી રહ્યા છે. સરકાર વર્ષમાં બે વખત આ ભથ્થામાં વધારો કરે છે.





















