(Source: ECI/ABP News/ABP Majha)
Adani Group: અદાણી ગ્રુપ પર વધુ એક આફત, આ વખતે ગૌતમ અદામીના મોટા ભાઈ ઝપટે ચડી ગયા, જાણો શું છે મામલો
ફોર્બ્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિનોદ અદાણીની સિંગાપોરની કંપની પિનેકલ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પી.ટી.ઈ. પર પરોક્ષ નિયંત્રણ છે.
Adani Group: અદાણી ગ્રુપને એક રિપોર્ટના કારણે $130 બિલિયનનો આંચકો લાગ્યો છે. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ $71 બિલિયનનો ઘટાડો થયો છે. પરંતુ તેમ છતાં અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હિંડનબર્ગ રિસર્ચ બાદ હવે અદાણી ગ્રુપ પર નવા આરોપો લગાવવામાં આવ્યા છે. ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી પર આ આરોપો લગાવવામાં આવ્યા છે. ફોર્બ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જૂથમાં પ્રમોટરનો હિસ્સો લોન માટે બેંક પાસે ગીરવે મુકવામાં આવ્યો છે. પ્રમોટરનો $240 મિલિયનનો હિસ્સો રશિયન બેંકમાં ગીરવે મુકવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે ફોર્બ્સના આ રિપોર્ટને હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. વિનોદ અદાણી દુબઈમાં રહે છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં ગૌતમ અદાણીનું નામ 54 વખત આવે છે, જ્યારે વિનોદ અદાણીનું નામ 151 વખત આવે છે. જો કે, અદાણી ગ્રુપનું કહેવું છે કે વિનોદ અદાણી કોઈપણ લિસ્ટેડ કંપનીમાં મેનેજરના હોદ્દા પર નથી.
ફોર્બ્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિનોદ અદાણીની સિંગાપોરની કંપની પિનેકલ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પી.ટી.ઈ. પર પરોક્ષ નિયંત્રણ છે. 2020 માં, આ કંપનીએ રશિયાની VTB બેંક સાથે લોન કરાર કર્યો હતો. એપ્રિલ 2021 સુધીમાં, કંપનીએ $263 મિલિયન ઉધાર લીધા હતા. કંપનીએ અનામી સંબંધિત પક્ષને $258 મિલિયનની લોન આપી હતી. પિનેકલે લોન માટે બાંયધરી આપનાર તરીકે બે ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ, એફ્રો એશિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ અને વર્લ્ડવાઇડ ઇમર્જિંગ માર્કેટ હોલ્ડિંગ્સ લિમિટેડ ઓફર કરી હતી.
રસપ્રદ વાત એ છે કે આ બંને કંપનીઓ અદાણી ગ્રુપમાં મોટો હિસ્સો ધરાવે છે. અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં તેમની પાસે લગભગ ચાર અબજ ડોલરનો હિસ્સો છે. તેમાં જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ (APSEZ) અને અદાણી પાવરનો સમાવેશ થાય છે. 16 ફેબ્રુઆરીના રોજ અદાણી એન્ટરપ્રાઈઝમાં તેમનો હિસ્સો $1.3 બિલિયન, અદાણી પાવરમાં $1.2 બિલિયન, અદાણી પોર્ટ્સમાં $800 મિલિયન અને અદાણી ટ્રાન્સમિશનમાં $700 મિલિયનનો હતો. અહેવાલ મુજબ, કોઈ પણ ફંડે પ્લેજ કરેલા શેર જાહેર કર્યા નથી. ફોર્બ્સના અહેવાલને ટ્વિટર પર શેર કરતાં હિંડનબર્ગે લખ્યું છે કે આ ફંડ્સે ભારતીય એક્સચેન્જોને પ્લેજ કરેલા શેર વિશે કોઈ માહિતી આપી નથી.
વિનોદ શાંતિલાલ અદાણી સૌથી ધનિક NRI છે. IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, તે ભારતના અમીરોની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. 2021માં તેણે રોજની 102 કરોડ રૂપિયાની કમાણી કરી. દુબઈમાં રહેતા વિનોદ અદાણી સિંગાપોર અને જકાર્તામાં ટ્રેડિંગ બિઝનેસનું સંચાલન કરે છે. વર્ષ 2021માં તેમની નેટવર્થમાં 28 ટકા એટલે કે 37,400 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તે બે સ્થાનની છલાંગ લગાવીને ભારતના અમીરોની યાદીમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે. તેમની નેટવર્થ 850 ટકા વધી છે અને તે રૂ. 151,200 કરોડથી વધીને રૂ. 169,000 કરોડ થઈ છે. વિનોદ અદાણી, જેઓ વિનોદભાઈ તરીકે જાણીતા છે, તેમણે 1976માં મહારાષ્ટ્રના ભિવંડી ખાતે વીઆર ટેક્સટાઈલ નામથી પાવર લૂમ્સની સ્થાપના કરી હતી. ત્યારપછી તેણે સિંગાપોરમાં ઓફિસ ખોલીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો બિઝનેસ વિસ્તાર્યો. વિનોદ અદાણી પહેલા સિંગાપોર ગયા અને પછી 1994માં દુબઈમાં સ્થાયી થયા. દુબઈમાં તેણે ખાંડ, તેલ, એલ્યુમિનિયમ, કોપર અને આયર્ન સ્ક્રેપનો વેપાર શરૂ કર્યો.