Income tax return: જો તમે ઇન્કમ ટેક્સ ભરો છો તો હવે આ સરકારી યોજનાનો લાભ નહી મળે
નાણા મંત્રાલયે આ સંબંધમાં એક આદેશ જાહેર કર્યો છે, જે 01 ઓક્ટોબર 2022થી લાગુ થશે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજના (Atal Pension Yojana)ની પાત્રતા અંગેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાદ જે લોકો ઈન્કમ ટેક્સ ભરે છે તેઓ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં. નાણા મંત્રાલયે આ સંબંધમાં એક આદેશ જાહેર કર્યો છે, જે 01 ઓક્ટોબર 2022થી લાગુ થશે.
આવા લોકોને લાભ નહીં મળે
નાણા મંત્રાલયના તાજેતરના ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 'કોઈપણ નાગરિક જે ઇન્કમટેક્સ ચૂકવે છે અથવા ચૂકવી ચૂક્યો છે, તે 01 ઓક્ટોબર 2022થી અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં.' આ સાથે મંત્રાલયે નોટિફિકેશનમાં એ સ્પષ્ટ કર્યું કે કોને ઈન્કમ ટેક્સપેયર ગણવામાં આવશે. મંત્રાલયે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ કે જેના પર ઈન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ ઈન્કમ ટેક્સની જવાબદારી છે, તેને ઈન્કમ ટેક્સ પેયર ગણવામાં આવશે.
આ કિસ્સામાં ખાતું બંધ કરવામાં આવશે
નોટિફિકેશન મુજબ, જો કોઈ વ્યક્તિ 01 ઓક્ટોબરના રોજ અથવા તેના પછી અટલ પેન્શન યોજનાનો લાભ લે છે, અને પછીથી જાણવા મળે છે કે તે અરજીની તારીખે અથવા તે પહેલાં કોઈપણ સમયે આવકવેરાદાતાની શ્રેણીમાં છે, તો આવી પરિસ્થિતિમા તેનું અટલ પેન્શન યોજના એકાઉન્ટ બંધ થઈ જશે. આવી વ્યક્તિઓને અટલ પેન્શન યોજના એકાઉન્ટ બંધ કરવાની તારીખ સુધી જમા કરાયેલ પેન્શનના નાણાં તરત જ આપવામાં આવશે. આ પછી તેમનું અટલ પેન્શન યોજના એકાઉન્ટ બંધ થઈ જશે.
આ લોકોને લાભ મળતો રહેશે
જો તમે નવો ઓર્ડર અમલી બનતા પહેલા અટલ પેન્શન યોજના ખાતું ખોલાવશો, તો આવી સ્થિતિમાં તમને આ યોજનાનો લાભ મળતો રહેશે. વર્તમાન નિયમો અનુસાર, 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક સરકારની આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે, પછી ભલે તે આવકવેરો ભરે કે ન ભરે. આ કારણે જે લોકો અત્યાર સુધી અટલ પેન્શન યોજનામાં જોડાયા છે અથવા આવતા મહિનાના અંત સુધીમાં એટલે કે 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં આ યોજનામાં ખાતું ખોલાવશે, તો તેમના પર નવા આદેશના અમલીકરણની કોઈ અસર થશે નહીં.
04 જૂન સુધી રાષ્ટ્રીય પેન્શન યોજના અને અટલ પેન્શન યોજનાનો લાભ લેનારા લોકોની સંખ્યા 5.33 કરોડ હતી. PFRDAના અધ્યક્ષ સુપ્રતિમ બંદ્યોપાધ્યાયે પણ જણાવ્યું હતું કે આ બંને સરકારી પેન્શન સ્કીમમાં 04 જૂન, 2022 સુધીમાં મેનેજમેન્ટ માટે રૂ. 7,39,393 કરોડની સંપત્તિ હતી. તે તારીખ સુધી, એકલા અટલ પેન્શન યોજનામાંથી 3.739 કરોડ લોકો જોડાયા હતા.
અટલ પેન્શન યોજનાના લાભો
અટલ પેન્શન યોજના એ સરકારની ગેરન્ટીવાળી પેન્શન યોજના છે, જેનું સંચાલન PFRDA દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી 18 વર્ષથી 40 વર્ષની વયજૂથના તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકતા હતા. તે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા મેળવી શકાય છે. આ યોજના હેઠળ, સબ્સ્ક્રાઇબરને તેના યોગદાનના આધારે 60 વર્ષની ઉંમર પછી દર મહિને રૂ. 1000 થી રૂ. 5000 નું પેન્શન મળે છે. સબસ્ક્રાઇબરના મૃત્યુ પર પ્લાનનો લાભ તેના નોમિનીને મળે છે.