ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે સંબંધિત છે.
ભારતીય અબજોપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપ તેમની કંપનીના રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો છે. તેમના પર અમેરિકામાં પોતાની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર અથવા લગભગ 2236 કરોડ રૂપિયાની લાંચ આપવાનો અને તેને છૂપાવવાનો આરોપ છે. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે સંબંધિત છે.
#BREAKING Indian billionaire Gautam Adani charged in bribery scheme: US prosecutor pic.twitter.com/Ib6QBc2XbK
— AFP News Agency (@AFP) November 20, 2024
અદાણી પર કયા આક્ષેપો થયા?
અમેરિકામાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ બુધવારે આ મામલે ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કાબનેસ વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગરે સાત અન્ય પ્રતિવાદીઓ સાથે તેમની રિન્યુએબલ એનર્જી કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભારતના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને વિકસાવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે 265 મિલિયન ડોલરની લાંચ ચૂકવી હતી.
2 અબજ બિલિયન ડૉલરના નફા સંબંધિત કેસ
એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ સમગ્ર મામલો અબજો ડોલરના નફા સાથે સંબંધિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે આ કોન્ટ્રાક્ટ દ્વારા અદાણી ગ્રુપને 20 વર્ષમાં 2 બિલિયન ડોલરથી વધુનો નફો થવાની અપેક્ષા હતી. આરોપ છે કે આ લાંચ 2020 થી 2024 વચ્ચે અધિકારીઓને આપવામાં આવી હતી.
આ સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આ નફા માટે અમેરિકા સહિત અન્ય દેશોના રોકાણકારો અને બેન્કો સાથે ખોટું બોલવામાં આવ્યું હતું. ફરિયાદીઓએ એવો પણ દાવો કર્યો હતો કે અદાણી ગ્રીન એનર્જીના અન્ય એક્ઝિક્યુટિવ, ભૂતપૂર્વ CEO વિનીત જૈને ધિરાણકર્તાઓ અને રોકાણકારોથી તેમના ભ્રષ્ટાચારને છૂપાવીને 3 બિલિયન ડોલરથી વધુની લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા. નોંધનીય છે કે વિનીત જૈન 2020 થી 2023 સુધી કંપનીના સીઈઓ હતા.
ગૌતમ અદાણી આટલી સંપત્તિના માલિક છે
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, 62 વર્ષીય ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી હાલમાં 85.5 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિક લોકોની યાદીમાં 18મા ક્રમે છે. છેલ્લા 24 કલાકમાં તેમને 295 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. જો આપણે તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશે વાત કરીએ તો તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 2.24 લાખ કરોડ રૂપિયા છે.
અદાણી ગ્રીનના શેરની કિંમત
અમેરિકામાં આરોપોથી ઘેરાયેલી ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જીના શેર પર નજર કરીએ તો ભારતીય શેરબજારમાં ઘટાડા વચ્ચે આ કંપનીના શેર પણ સતત ઘટી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં 17.76 ટકાનો ઘટાડો થયો છે અને મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે તે 3 ટકાથી વધુ ઘટીને 1407 રૂપિયા પર બંધ થયા હતા.