Byju's : Byju'sની મુશ્કેલીઓ વધી, મોદી સરકારે આપ્યા આકરા આદેશ
છ સપ્તાહમાં તપાસનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ એવા અહેવાલ સામે આવ્યા હતા કે, SFIOએ પણ બાયજુ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે, જો કે કંપનીએ તેનો ઇનકાર કર્યો હતો.
Byju's Update: જાણીતી એડટેક કંપની બાયજુની મુશ્કેલીઓ બંધ થવાના બદલે વધી જ રહી છે. હવે કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયે બાયજુના ખાતાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આગામી છ સપ્તાહમાં જ તપાસનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ એવા અહેવાલ સામે આવ્યા હતા કે, SFIO (ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય) એ પણ બાયજુ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે, જો કે કંપનીએ તેનો ઇનકાર કર્યો હતો.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ બાયજુમાં રાજીનામાની જાણે સ્પર્ધા ચાલી હતી. કંપનીના ઓડિટરથી માંડીને બોર્ડના ત્રણ સભ્યોએ ગયા મહિને રાજીનામું આપ્યું હતું. કંપનીના ઈંટર્નલ અસેસમેંટના તારણો સામે આવ્યા બાદ કોર્પોરેટ બાબતોના મંત્રાલયે બાયજુના ખાતાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર બાદ સરકાર નક્કી કરશે કે, SFIO સાથે પણ તપાસ કરવાની જરૂર છે કે નહીં.
કોર્પોરેટ અફેર્સ મંત્રાલયની તપાસ પર બાયજુ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. સામે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે પણ આ મામલે હજુ સુધી કંઈ કહ્યું નથી. જોકે, આ તપાસને કારણે બાયજુની મુશ્કેલી વધી શકે છે. કારણ કે કંપની ડેટ એગ્રીમેન્ટની કેટલીક શરતોનું ઉલ્લંઘન કરીને $1.2 બિલિયનની ટર્મ લોનનું પુનર્ગઠન કરવા માટે નવેસરથી વાટાઘાટો કરવાની તૈયારી કરી રહી છે.
ગયા મહિને ડેલોઈટ હાસ્કિંસ સેલ્સએ બાયજુના ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ જમા કરાવવામાં થઈ રહેલા વિલંબના કારણે ઓડિટરના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય Peak XV, Prosus NV અને Chan-Zuckerberg Initiativeના પ્રતિનિધિઓએ Byjuના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાના કારણે બાયજુની છબીને જોરદાર ફટકો પડ્યો છે.
બાયજુ નાણાકીય કટોકટીમાંથી બહાર આવવા માટે એક અબજ ડોલર ભેગ કરવાની યોજના પર કામ કરી રહી છે. પરંતુ કંપની તાજેતરના સમયમાં કરવામાં આવેલી છટણીને લઈને ચર્ચામાં છે. ગયા મહિને સમાચાર આવ્યા હતાં કે, બાયજુ ફરી એકવાર છટણીની તૈયારી કરી રહ્યું છે. આ છટણીમાં લગભગ 500 થી 1,000 ફુલટાઈમ કર્મચારીઓને અસર થવાનો અંદાજ છે. ગ્રોથ ધીમો પડી જવાને કારણે અને કઠિન મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિને કારણે કંપની ખર્ચ ઘટાડવાનું વિચારી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ બાયજુએ કહ્યું હતું કે, તે ખર્ચ ઘટાડવા માટે 2500 કર્મચારીઓની છટણી કરી શકે છે.