Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Indian Captain Rohit Sharma: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરને લાગે છે કે જો રોહિત શર્મા રન નહીં બનાવે તો તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના અંતે કેપ્ટનશીપ છોડી દેશે.
Sunil Gavaskar On Rohit Sharma Captaincy: ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્માની છેલ્લી 5 ટેસ્ટમાંથી 4માં હાર મળી છે. રોહિત શર્માની કેપ્ટનશિપ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે રોહિત શર્મા સુકાની પદ છોડે તેવી ચર્ચા વહેતી થઈ છે. ગાબા ખાતે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી અને હવે રોહિતની કેપ્ટન્સી છોડવાની ચર્ચા ચાલી રહી છે.
વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે રોહિત શર્માની કેપ્ટનશીપ છોડવાની વાત કરી હતી. અનુભવી ગાવસ્કરે પણ રોહિત શર્માના ખરાબ ફોર્મ વિશે વાત કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બે મેચમાં રોહિત શર્માએ માત્ર 6.33ની એવરેજથી રન બનાવ્યા છે. આ પહેલા રોહિત શર્માનું ખરાબ ફોર્મ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ જોવા મળ્યું હતું.
રોહિત શર્માની નિવૃત્તિ પર સુનીલ ગાવસ્કર
ABC સ્પોર્ટ્સ સાથે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું, "મને લાગે છે કે રોહિતને આગામી કેટલીક મેચોમાં રમવાની તક મળશે, તે નક્કી છે. પરંતુ કદાચ તે સિરીઝના અંતે, જો તેણે રન ન બનાવ્યા તો મને લાગે છે કે તે જાતે જ કેપ્ટન્સી અંગે નિર્ણય લઈ લેશે.
સુનીલ ગાવસ્કરે વધુમાં જણાવ્યું હતું કે રોહિતે આગામી બે ટેસ્ટમાં ન બનાવે તો તેણે જાતે જ નિર્ણય લઈ લેવો જોઈએ. ગાવસ્કરે કહ્યું,"તે ખૂબ જ પ્રામાણિક ક્રિકેટર છે. તે ટીમ પર બોજ બનવાનું પસંદ કરશે નહીં. તે એક એવો ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ માટે ઊંડાણપૂર્વક વિચારે છે. તેથી જો તે આગામી કેટલીક મેચોમાં રન નહીં બનાવે તો મને લાગે છે કે કે તે પોતાની મેળે જ પદ છોડશે.
2024માં રોહિત શર્માના ટેસ્ટના આંકડા
રોહિત શર્મા 2024માં અત્યાર સુધીમાં 13 ટેસ્ટ રમી ચૂક્યો છે. આ મેચોની 24 ઇનિંગ્સમાં ભારતીય કેપ્ટને 26.39ની એવરેજથી 607 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી (BGT) 2024-25ની ત્રીજી મેચ ડ્રૉમાં સમાપ્ત થઈ. આજે (18 ડિસેમ્બર) બ્રિસ્બેનના ગાબા ખાતે મેચનો છેલ્લો અને પાંચમો દિવસ હતો. પહેલા ખરાબ લાઇટ અને પછી વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. આ પછી બંને કેપ્ટનની સહમતિથી આ મેચ ડ્રૉ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે મેચ અટકી ત્યારે યશસ્વી જાયસ્વાલ (4) અને કેએલ રાહુલ (4) ક્રિઝ પર હતા. જ્યારે ભારતીય ટીમે બીજા દાવમાં 8/0નો સ્કૉર બનાવ્યો હતો. ટ્રેવિસ હેડને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેણે પ્રથમ ઇનિંગમાં શાનદાર 151 રન બનાવ્યા હતા. 5 મેચોની આ સીરીઝ 1-1 થી બરાબર છે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં 26 ડિસેમ્બર (બૉક્સિંગ-ડે ટેસ્ટ)થી રમાશે.
આ પણ વાંચો....