Vedantu, Netflix બાદ આ કંપનીએ પણ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
દરમિયાન એજ્યુકેશન ટેક કંપની વેદાંતુએ પણ સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા
હાલમાં દેશની આર્થિક વૃદ્ધિ પણ સતત નબળી પડી રહી છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં આર્થિક મંદીના સંકેત દેખાઈ રહ્યા છે. દરમિયાન અનેક કંપનીઓ લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. એક રિપોર્ટ અનુસાર, Cars24 નામની ઈ-કોમર્સ કંપનીએ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
Cars24 600 લોકોને છૂટા કરે છે
Cars24 નામની ઈ-કોમર્સ કંપનીએ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જોકે, કંપનીનું કહેવું છે કે આ બિઝનેસ કરવાની સામાન્ય પ્રક્રિયા છે. તે દર વર્ષે પરફોર્મન્સના આધારે કર્મચારીઓને છૂટા કરે છે, આ પણ તેનો એક ભાગ છે. કંપનીનો ખર્ચ ઘટાડવા સાથે તેને કોઇ લેવાદેવા નથી. Cars24 ના કર્મચારીઓની સંખ્યા લગભગ 9,000 છે અને હવે તેમાંથી 6.6% લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે.
Vedantuએ મહિનામાં બે વખત કર્મચારીઓની છટણી કરી
દરમિયાન એજ્યુકેશન ટેક કંપની વેદાંતુએ પણ સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા. મે મહિનામાં જ કંપનીએ પહેલા 200 લોકોને છૂટા કર્યા અને પછી બુધવારે 424 લોકોને છૂટા કર્યા હતા. કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 5,900ની નજીક છે. કંપનીએ કહ્યું હતું કે તેણે 120 કોન્ટ્રાક્ટરો અને 80 ફૂલ ટાઇમ કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી આ નિર્ણય લીધો હતો.
Unacademy એ પણ 600 લોકોને કાઢી મુક્યા હતા.
આ પહેલા એપ્રિલમાં અન્ય એક એજ્યુટેક કંપની Unacademy એ પણ 600 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. જ્યારે સ્ટાર્ટઅપ કંપની Lido Learningએ તેની કામગીરી બંધ કરી દીધી છે અને ઘણા કર્મચારીઓનું કહેવું છે કે Lido Learning એ છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ચૂકવ્યો નથી. આ સિવાય Meesho, Furlenco અને Trell જેવી કંપનીઓએ પણ લોકોને નોકરીમાંથી કાઢી ચૂકી છે.
નેટફ્લિક્સે 150 લોકોને છૂટા કર્યા
OTT પ્લેટફોર્મ Netflix એ પણ લગભગ 150 કર્મચારીઓ અને ડઝનેક કોન્ટ્રાક્ટરોને છૂટા કર્યા છે. The Vergeએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે નેટફ્લિક્સની ફેન- ફોક્સ્ડ વેબસાઈટ Tudum માટે કામ કરતા ઓછામાં ઓછા 26 કોન્ટ્રાક્ટરોને કાઢી મુકવામાં આવ્યા હતા. નેટફ્લિક્સે અગાઉ માર્કેટિંગ ટીમમાંથી લગભગ 25 લોકોની છટણી કરી હતી જેમાંથી લગભગ એક ડઝન લોકો Tudum સાથે સંકળાયેલા હતા.