શોધખોળ કરો
લોકડાઉન વચ્ચે અમેઝોન, ફ્લિપકાર્ટે કેન્દ્ર સરકારને શું કરી વિનંતી ? જાણો વિગતે
એમેઝોન ઈન્ડિયાએ ઈ-કોમર્સને મહામારી સામે સંયુક્ત લડાઈમાં પોતાની ભૂમિકા નીભાવવામાં સક્ષમ બનાવવાનો સરકારને આગ્રહ કર્યો હતો.

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. આ દરમિયાન ઈ-કોમર્સની દિગ્ગજ કંપની અમેઝોન ઈન્ડિયા અને ફ્લિપકાર્ટે લોકડાઉન દરમિયાન બિન જરૂરી સામાન વેચવા દેવામાં આવે તેવો સરકારને આગ્રહ કર્યો છે. એમેઝોન ઈન્ડિયાએ ઈ-કોમર્સને મહામારી સામે સંયુક્ત લડાઈમાં પોતાની ભૂમિકા નીભાવવામાં સક્ષમ બનાવવાનો સરકારને આગ્રહ કર્યો હતો. કંપનીએ એનડીટીવીને જણાવ્યું કે, અમે નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. ઈ-કોમર્સ નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવાની સાથે વિક્રેતાઓ અને જથ્થાબંધ વેપારીઓને સુરક્ષા આપે છે. સરકારે તમામ પ્રકારના સામાનની ડિલિવરી માટે મંજૂરી આપવી જોઈએ. તેનાથી અમને તમામ પ્રકારનો સામાન વેચવામાં મદદ મળશે અને હજારો નાના વ્યવસાયીને રોજગારી મળશે. ફ્લિપકાર્ટે કહ્યું, ઈ-કોમર્સ લોકોની જરૂરિયાતોને સુરક્ષિત રીતે પૂરી કરવામાં મદદ કરી શકે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું, ઈ-કોમર્સ એમએસએમઈના લિસ્ટને ઓછું કરવા તથા મજબૂત અને સુરક્ષિત રીતે ગ્રાહકોને ઉત્પાદનોના વિતરણમાં મદદગાર સાબિત થઈ શકે છે. ઈ-કોમર્સના માધ્યમથી દવાઓ અને તબીબી સાધનો સહિત તમામ જરૂરી સામાનની ડિલિવરીની મંજૂરી આપવામાં આવી છે. સરકારે એકથી વધારે વખત સ્પષ્ટતા કરી ચુકી છે લોકડાઉન દરમિયાન ઈ-કોમર્સ પ્લેટફોર્મથી બિન જરૂરી સામાનના પુરવઠા પર પ્રતિબંધ ચાલુ રહેશે. મોટાભાગની ઈ-કોમર્સ કંપનીઓ લોકડાઉનની જાહેરાત બાદ નુકસાનનો સામનો કરી રહી છે. દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,892 પર પહોંચી છે. જેમાંથી 872 લોકોના મોત થયા છે અને 6184 લોકો સાજા થઈ ગયા છે.
વધુ વાંચો





















