માલદીવ સાથેના વિવાદ વચ્ચે ભારતની આ ટ્રાવેલ કંપનીનો મોટો નિર્ણય, તમામ ફ્લાઇટ્સ બુકિંગ કર્યું કેન્સલ
Maldives: સામાન્ય લોકોની સાથે ભારતની ટોચની ટ્રાવેલ કંપનીઓએ પણ માલદીવ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.
Maldives: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ માલદીવ પર ભારતનો ગુસ્સો ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સામાન્ય લોકોની સાથે ભારતની ટોચની ટ્રાવેલ કંપનીઓએ પણ માલદીવ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.
In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY
— Nishant Pitti (@nishantpitti) January 7, 2024
દેશની સૌથી મોટી ટ્રાવેલ કંપની EaseMyTrip એ માલદીવ માટે તેની તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ નિશાંત પિટ્ટીએ (Nishant Pitti) પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે દેશની એકતામાં જોડાતાં EaseMyTrip એ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે માલદીવની મહિલા મંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદી વિશે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ભારતે માલદીવની સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. માલેમાં ભારતીય હાઈ કમિશનરે મંત્રીની ટિપ્પણી સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ માલદીવ સરકારે નિવેદન જાહેર કરીને કહ્યું કે આ તેમનો અંગત અભિપ્રાય છે. મંત્રીની ટિપ્પણીઓ માલદીવ સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતી નથી.
ભારતના ઉગ્ર વિરોધ બાદ કાર્યવાહી કરતા માલદીવ સરકારે પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ શિઉનાની સાથે માલશા શરીફ અને મહજૂમ માજિદને સસ્પેન્ડ કરી દીધા હતા. માલદીવ સરકારના પ્રવક્તા મંત્રી ઈબ્રાહિમ ખલીલે જણાવ્યું હતું કે વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે જવાબદાર ત્રણ મંત્રીઓને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વાસ્તવમાં આ મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ શરૂ થયો હતો. લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ પછી માલદીવની મંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે ટ્વીટની ટીકા થયા બાદ તેમણે ટ્વિટ ડીલીટ પણ કરી દીધું હતું.