સોનામાં તોફાની તેજી! 4 મહિનામાં 25% ઉછાળો, રોકાણકારો માટે શું છે સંકેત? ભાવ ઘટશે કે 100000 ને પાર કરશે...
૨૦૨૫ના પ્રથમ ૪ મહિનામાં સોનામાં ૨૫%નો ઉછાળો, નિષ્ણાતો 'બાય ઓન ડિપ્સ' અને 'ડોલર કોસ્ટ એવરેજિંગ'ની સલાહ આપી રહ્યા છે.

અમદાવાદ: સોનું ફરી એકવાર રોકાણકારો માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. વૈશ્વિક અસ્થિરતા અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ ચાર મહિનામાં જ સોનું લગભગ ૨૫ ટકા વધ્યું છે અને MCX તથા COMEX બંને આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત $3200 પ્રતિ ઔંસને વટાવી ગઈ છે, જ્યારે MCX પર સ્થાનિક બજારમાં તે 94000 રૂપિયા પ્રતિ દસ ગ્રામની નજીક પહોંચી ગઈ છે. નિષ્ણાતો માની રહ્યા છે કે સોનામાં આ ઉછાળો ટ્રેડ વોર, ફુગાવાના દબાણ અને 'સેફ હેવન' એસેટ્સ તરફ રોકાણકારોના વધતા ઝોકને કારણે થયો છે.
વેપાર યુદ્ધ, મોંઘવારી અને ભૌગોલિક રાજકીય તણાવ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓએ રોકાણકારોને સોના તરફ આકર્ષ્યા છે. આ ઉપરાંત વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની ખરીદીમાં વધારો થયો છે, જે ભાવને વધુ મજબૂત બનાવી રહી છે.
ધ મિન્ટ સાથે વાત કરતા, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ગ્રૂપ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણી કહે છે કે નીતિ વિષયક અનિશ્ચિતતા, વૈશ્વિક ફુગાવો અને ભૌગોલિક રાજનીતિમાં અસ્થિરતા વચ્ચે સોનું એક સ્થિર સંપત્તિ તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્રીય બેંકો અને રોકાણકારોનો વધતો રસ તેને વધુ વેગ આપી રહ્યો છે. દામાણીના મતે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મધ્યમથી લાંબા ગાળા માટે 'બાય ઓન ડીપ્સ' એટલે કે ભાવમાં ઘટાડો થાય ત્યારે ખરીદી કરવાની વ્યૂહરચના વધુ સારી માનવામાં આવે છે.
હમણાં ખરીદી કરવી કે રાહ જોવી?
જો તમે અત્યારે ટૂંકા ગાળા માટે સોનું ખરીદવા માંગતા હોવ તો કદાચ તમારે થોડી રાહ જોવી હિતાવહ રહેશે. હાલમાં સોનું તેના રેકોર્ડબ્રેક ટોચના સ્તરે છે અને અહીંથી પ્રોફિટ બુકિંગ અને કરેક્શનની પૂરેપૂરી શક્યતા છે. આવી સ્થિતિમાં, જો તમે આ ઊંચા ભાવે સોનામાં રોકાણ કરો છો અને ત્યારબાદ નફા વસૂલી શરૂ થાય છે, તો તમારા પૈસા અટકી શકે છે.
લાંબા ગાળાના રોકાણકારો માટે વ્યૂહરચના:
જે રોકાણકારો લાંબા ગાળાની સંપત્તિની જાળવણી કરવા અથવા ભૌગોલિક રાજકીય જોખમો સામે હેજિંગ (રક્ષણ) ઇચ્છે છે, તેમના માટે સોનામાં રોકાણ કરવાનો હજુ પણ યોગ્ય સમય છે. જોકે, આવા રોકાણ 'ડોલર કોસ્ટ એવરેજિંગ'ની વ્યૂહરચના સાથે થવું જોઈએ. તેનો અર્થ એ છે કે એક જ વારમાં મોટી રકમ રોકવાને બદલે ધીમે ધીમે, હપ્તાઓમાં સોનું ખરીદવું જોઈએ, જેથી રોકાણની સરેરાશ કિંમત ઓછી કરી શકાય અને ભાવમાં થતા ઘટાડાનો પણ લાભ લઈ શકાય.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને અહીં નાણાંનું રોકાણ કરવાની ભલામણ કરતું નથી.





















