સોનામાં આવશે વિક્રમી તેજી? ભાવ 4500 ડોલરને પણ આંબી જશે, જાણો ભારતમાં કેટલી થશે કિંમત
Gold Price Prediction: વૈશ્વિક અસ્થિરતા અને મંદીના ભય વચ્ચે ગોલ્ડમેન સૅક્સનો દાવો, સોનામાં 38-40% સુધીનો વધારો શક્ય.

Goldman Sachs Gold Forecast: વિશ્વભરમાં ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે સર્જાયેલી અસ્થિરતા અને વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની ચર્ચાઓ વચ્ચે સોનાની ચમક ફરી વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત હાલમાં $3200 પ્રતિ ઔંસને વટાવી ગઈ છે, જ્યારે ભારતીય બજારમાં MCX પર તે 94000 રૂપિયા પ્રતિ દસ ગ્રામની નજીક પહોંચી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગોલ્ડમેન સૅક્સે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત $4500ને પાર કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે વર્તમાન સ્તરથી લગભગ 38-40%નો વધારો સૂચવે છે.
વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સે યુએસ-ચીન વેપાર યુદ્ધ અને મંદીના ભયને ટાંકીને જણાવ્યું છે કે જો આત્યંતિક જોખમી પરિસ્થિતિઓ સર્જાય તો 2025ના અંત સુધીમાં સોનાના ભાવ $4,500 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. વધુમાં, નાણાકીય પેઢીએ સામાન્ય સંજોગોમાં પણ 2025ના અંત સુધીમાં સોનાના ભાવ $3,700 પ્રતિ ઔંસ સુધી પહોંચવાની આગાહી કરી છે.
ગોલ્ડમેન સૅક્સે આ આગાહી સાથે ત્રીજી વખત તેના સોનાના ભાવના લક્ષ્યાંકમાં વધારો કર્યો છે. અગાઉ, બેંકે સોનાની કિંમતનો લક્ષ્યાંક વધારીને $3,300 પ્રતિ ઔંસ કર્યો હતો. ગોલ્ડમેન સૅક્સનું માનવું છે કે યુએસ-ચીન વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનવાના કારણે અમેરિકી અર્થવ્યવસ્થા અંગે વધી રહેલી ચિંતાઓને લીધે મંદી સામે રક્ષણ મેળવવા માટે સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં 6.5 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. કોવિડ-19 પછી સોનાનું આ સૌથી શ્રેષ્ઠ સાપ્તાહિક પ્રદર્શન હતું. આ વધારાનું મુખ્ય કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફને કારણે વૈશ્વિક સ્તરે વધી રહેલી અસ્થિરતા છે, જે સોનાના ભાવને સતત ટેકો આપી રહી છે.
બજારના વિશ્લેષકોનું કહેવું છે કે મંદીનું વધતું જોખમ, બોન્ડ યીલ્ડમાં વધારો અને નાણાકીય અસ્થિરતાની ચિંતા રોકાણકારોને સોના તરફ આકર્ષી રહી છે. વ્યક્તિગત રોકાણકારો ઉપરાંત સંસ્થાઓ અને કેન્દ્રીય બેંકો તરફથી પણ સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનાના ભાવમાં તેજી આવી છે. આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2020 પછી ગોલ્ડ-આધારિત એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં સૌથી વધુ રોકાણ નોંધાયું છે. ખાસ કરીને ઊભરતાં બજારોની કેન્દ્રીય બેંકો ડૉલર પરની તેમની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસમાં વધુ સોનું ખરીદી રહી છે. આ તમામ પરિબળો સોનાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવનાને મજબૂત કરે છે.





















