ફ્લેટમાં રહેવું મોંઘું બન્યું! સરકારે મેન્ટેનન્સ પર 18% GST લાદ્યો, જાણો કોને થશે સૌથી વધુ અસર
દર મહિને ₹7,500થી વધુ મેન્ટેનન્સ ચૂકવનારા રહીશોને પડશે વધુ ભાર, નવા નિયમો લાગુ.

GST on flat maintenance: જો તમે ફ્લેટ અથવા એપાર્ટમેન્ટમાં રહો છો, તો હવે તમારે તમારા માસિક મેન્ટેનન્સ ખર્ચ પર વધુ ધ્યાન આપવું પડશે. સરકારે હાઉસિંગ સોસાયટીઓના મેન્ટેનન્સ પર 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનો મોટો નિર્ણય લીધો છે. આ નવા નિયમથી દર મહિને ₹7,500થી વધુ મેન્ટેનન્સ ચૂકવનારા લાખો ફ્લેટધારકો પર નાણાકીય બોજો વધશે.
'ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર, સરકારે હાઉસિંગ નિયમોમાં આ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ, જો કોઈ એપાર્ટમેન્ટનો માસિક મેઈન્ટેનન્સ ખર્ચ ₹7,500થી વધુ હોય અને હાઉસિંગ સોસાયટીનું વાર્ષિક ટર્નઓવર ₹20 લાખથી વધારે હોય, તો તેના પર 18 ટકા GST લાગશે. આ નિયમનો સીધો અર્થ એ છે કે હવેથી તમારે તમારા મેન્ટેનન્સ બિલમાં GSTની રકમ પણ ચૂકવવી પડશે, જેના કારણે તમારો માસિક ખર્ચ વધી જશે.
જો કોઈ વ્યક્તિ એક જ હાઉસિંગ સોસાયટીમાં બે કે તેથી વધુ ફ્લેટ ધરાવતો હોય અને દરેક ફ્લેટ માટે દર મહિને ₹7,500 મેન્ટેનન્સ ચૂકવતો હોય, તો તેણે દરેક ફ્લેટ માટે અલગથી GST ચૂકવવો પડશે નહીં. જો કુલ માસિક મેન્ટેનન્સ ₹7,500થી વધી જાય છે, તો તેણે સમગ્ર રકમ પર 18 ટકા GST ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે GST કાઉન્સિલે જાન્યુઆરી 2018માં તેની 25મી બેઠકમાં રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (RWAs) અને હાઉસિંગ સોસાયટીઓને રાહત આપવા માટે મુક્તિ મર્યાદા ₹5,000થી વધારીને ₹7,500 પ્રતિ માસ કરી હતી.
ચાલો એક ઉદાહરણથી સમજીએ કે આ નિયમની તમારા પર શું અસર પડશે. જો તમે દર મહિને મેન્ટેનન્સ તરીકે ₹9,000 ચૂકવો છો અને તમારી સોસાયટીનું વાર્ષિક ટર્નઓવર ₹20 લાખથી વધુ છે, તો હવે તમારે 18 ટકા GSTના રૂપમાં વધારાના ₹1,620 ચૂકવવા પડશે. આનો અર્થ એ થયો કે તમારે હવે દર મહિને ₹9,000ને બદલે ₹10,620 ચૂકવવા પડશે. જો કે, આ નિયમ તમામ ફ્લેટ પર લાગુ થશે કે નહીં તે જાણવા માટે તમે તમારી સ્થાનિક કોમર્શિયલ ટેક્સ ઓફિસમાં જઈને ₹500ની ફી ભરીને તમારી સોસાયટીનું સ્ટેટસ ચકાસી શકો છો.
સરકારના આ નવા નિર્ણયથી ફ્લેટમાં રહેતા મધ્યમ વર્ગના લોકો પર વધુ આર્થિક બોજો પડશે તે નિશ્ચિત છે. હવે જોવાનું એ રહેશે કે આ નિયમનો અમલ ક્યારથી શરૂ થાય છે અને તેનાથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પર કેટલી અસર પડે છે.





















