Layoffs: આ કંપનીએ 1000 કર્મચારીઓની કરી છટણી, સીઇઓએ શું આપ્યો મેસેજ?
કંપનીએ પોતાના લગભગ આઠ ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી.
અમેરિકન જોબ સર્ચ ફર્મ ઇનડીડ પોતાના લગભગ આઠ ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, ઇનડીડ છેલ્લા બે વર્ષમાં બીજી વખત કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. છટણી અમેરિકન કર્મચારીઓને અસર કરશે, જેના કારણે 1,000 લોકોએ તેમની નોકરી ગુમાવવી પડશે. છટણી પાછળના કારણમાં કહેવામાં આવ્યું છે કે તે પોતાના સંગઠનને સરળ બનાવવા માટે કરવામાં આવી છે. ઇનડીડના સીઇઓ ક્રિસ હાયમ્સે પ્રભાવિત કર્મચારીઓ માટે એક મેસેજ શેર કર્યો અને તેને મુશ્કેલ નિર્ણય ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે મને એ સમાચાર શેર કરતા દુઃખ થાય છે કે અમે છટણી દ્વારા અમારા કર્મચારીઓને ઘટાડવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. ગયા વર્ષે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો ખર્ચ બચતને કારણે થયો હતો, પરંતુ આ વર્ષે કંપની સંગઠન અને સંયુક્ત ટીમ માટે કર્મચારીઓની છટણી કરશે.
જો કે, ક્રિસ હાયમ્સે ખાતરી આપી હતી કે નોકરીમાં કાપ અમેરિકા પૂરતો મર્યાદિત રહેશે. છટણી મુખ્યત્વે R&D અને ગો-ટુ-માર્કેટ ટીમોને અસર કરશે. યુકે, આયરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશની બહાર કામ કરતા કર્મચારીઓને ટૂંક સમયમાં ખબર પડશે કે છટણીના નિર્ણયની તેમના પર અસર થશે કે કેમ. અંતે સીઈઓએ લોકોને નોકરી મેળવવામાં મદદ કરવાના કંપનીના મિશન અને સમાજ પર તેની અસરના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેમણે કહ્યું કે ખરેખર છટણી સંસ્થાને સરળ બનાવવામાં અને એક ટીમ તરીકે અસરકારક રીતે કામ કરવામાં મદદ કરશે. આવક વૃદ્ધિ ફરી શરૂ થશે અને 100 મિલિયન લોકો માટે નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરવાના કંપનીના 2030ના લક્ષ્ય સુધી પહોંચશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કંપનીનું મિશન મહત્વનું હતું અને લોકોને નોકરી છોડતા જોવા અવિશ્વસનીય રીતે મુશ્કેલ હતું, કારણ કે કંપની વ્યક્તિના જીવનમાં નોકરીનું મહત્વ જાણતી હતી.
આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ટેક સેક્ટરમાં 80,000 થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં છટણી ચાલુ છે. ટેક સેક્ટરમાં નોકરીમાં કાપ પર નજર રાખતા પોર્ટલ Layoff.fy ના નવા ડેટા અનુસાર, 279 ટેક કંપનીઓએ 3 મે સુધી 80,230 કર્મચારીઓની છટણી કરી છે.