હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
નીચેની બર્થ માટે હવે નહીં થાય માથાકૂટ! રેલ્વે મંત્રીએ કરી દીધો ફેંસલો!

Railway lower berth reservation: ટ્રેનોમાં લોઅર બર્થની ફાળવણીને લઈને હંમેશાં મુસાફરોમાં ચર્ચા રહે છે. ખાસ કરીને મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ મુસાફરો માટે નીચેની સીટ મેળવવી ઘણીવાર મુશ્કેલ બની જતી હોય છે. હવે આ મુદ્દે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનમાં નીચેની બર્થ કોને પ્રથમ મળશે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે હવે ટ્રેનોમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ મુસાફરોને પ્રાથમિકતાના ધોરણે લોઅર બર્થની સુવિધા આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે આ અંગે માહિતી આપતા કહ્યું કે ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે અને લોઅર બર્થની માંગ હંમેશા વધારે રહે છે.
રેલ્વે મંત્રીએ સ્વીકાર્યું કે ટ્રેનમાં નીચેની સીટોની સંખ્યા મર્યાદિત હોય છે, જેના કારણે દરેક મુસાફરને આ સીટો ફાળવવી શક્ય નથી હોતું. તેમ છતાં, રેલ્વે એ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે કે જે મુસાફરોને ખરેખર તેની સૌથી વધુ જરૂર છે, તેમને આ સીટો મળી રહે. રેલ્વેની પ્રથમ પ્રાથમિકતા હંમેશાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકો રહેશે.
મહત્વની વાત એ છે કે ભારતીય રેલ્વે દ્વારા પહેલાથી જ વિકલાંગ મુસાફરો માટે લોઅર બર્થની ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. દરેક રેલ્વે ટ્રેનના કોચમાં નીચેની સીટોની નિશ્ચિત સંખ્યા હોય છે. સ્લીપર કોચમાં 6 થી 7, થર્ડ એસીના દરેક કોચમાં 4 થી 5 અને 2 એસીના દરેક કોચમાં 3 થી 4 લોઅર બર્થ હોય છે. રેલ્વે હંમેશાં વિકલાંગ મુસાફરોને તેમની સીટ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રાથમિકતા આપે છે. આ માટે સ્લીપર કોચમાં 2 લોઅર બર્થ, થર્ડ એસી અને થર્ડ ઈકોનોમીમાં 4 લોઅર બર્થ અને સેકન્ડ સીટિંગ અથવા ચેર કારમાં 4 સીટ આ લોકો માટે આરક્ષિત હોય છે.
આ ઉપરાંત, રેલ્વે મંત્રીએ જણાવ્યું કે જો મુસાફરી દરમિયાન નીચેની બર્થ ખાલી રહે છે, તો તે વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ મુસાફરો અને ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવે છે, જેઓ મધ્યમ અથવા ઉપરની બર્થ પર હોય છે. આ નિર્ણયથી મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
